મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના બદલાપુરમાં એક નાગરિક સાથે છેતરપીંડી કરીને એક અજાણ્યા ઠગે એના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 9 લાખ 50 હજારની રકમ ચોરી લીધી છે. 53-વર્ષીય નાગરિકને તે ઠગે ફોન પર જણાવ્યું હતું કે તમે તમારા મોબાઈલ ફોન પર એક એપ ડાઉનલોડ કરો અને પછી ખાનગી માહિતી શેર કરો.
ગઈ 23 જાન્યુઆરીએ છેતરપીંડીનો શિકાર બનેલા નાગરિક ભારતીય નૌકાદળના નિવૃત્ત સભ્ય છે અને હાલ એક ખાનગી કંપનીમાં કામ કરે છે. એમણે પોલીસને જણાવ્યું કે એક રાષ્ટ્રીયકૃત બેન્કની મોબાઈલ એપ કામ કરતી નહોતી એટલે તેમણે બેન્કના કસ્ટમર કેર વિભાગને જાણ કરી હતી. ત્યાંથી એમને એક વ્યક્તિ તરફથી વળતો ફોન આવ્યો હતો. પોતે કસ્ટમર સર્વિસ વિભાગનો એક્ઝિક્યૂટિવ છે એમ તેણે કહ્યું હતું અને ‘AnyDesk’ એપ ડાઉનલોડ કરવા કહ્યું હતું. કોલ કરનારે એમને કેટલીક સૂચના આપી હતી અને તેમના બેન્ક એકાઉન્ટ વિશે કેટલીક માહિતી પૂછી હતી. ત્યારબાદ કોલ કરનારે કહ્યું હતું કે તમારું યૂઝર આઈડી અને પાસવર્ડ હવે બદલાઈ ગયા છે અને તમે એપ વાપરી શકો છો. પરંતુ, 24 જાન્યુઆરીએ એમને બેન્કમાંથી મેસેજ આવ્યો હતો કે એમના એકાઉન્ટ માટે રજિસ્ટર કરાયેલો મોબાઈલ ફોન નંબર બદલાઈ ગયો છે. ફરિયાદીને આશ્ચર્ય થયું હતું અને એ પૂછપરછ કરવા બેન્કમાં ગયા હતા. ત્યાં એમને જાણ કરાઈ હતી કે એમના ખાતામાંથી એક અન્ય ખાતામાં રૂ. 9,53,363 ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. ખાતેદારે ત્યારબાદ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 420 (છેતરપીંડી) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાની કલમ હેઠળ અજાણ્યા શખ્સ સામે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
