મુંબઈઃ પડોશના થાણે શહેરમાં એક જ્વેલરી સ્ટોરની દીવાલમાં બાકોરું પાડીને સ્ટોરમાંથી રૂ. 1.37 કરોડના ઝવેરાતની લૂંટના કિસ્સામાં નવી મુંબઈ પોલીસે રાહુલ અને અકબર શેખ નામના બે શખ્સની વાશી ઉપનગરમાંથી ધરપકડ કરી છે, જે બંને જણ ઝારખંડના રહેવાસી છે. લૂંટનો બનાવ થાણેના વર્તક નગર વિસ્તારમાં પોખરડ રોડ પર આવેલી વારીમાતા ગોલ્ડ જ્વેલરી શોપમાં બન્યો હતો. એક આરોપી 42 વર્ષનો છે અને બીજો 55 વર્ષનો છે. આ લૂંટમાં હજી બીજા કેટલાક જણ પણ સંડોવાયેલા છે. એમને પકડવા માટે તપાસ ચાલુ છે. લૂંટનું મોટા ભાગનું ઝવેરાત પાછું મેળવી લેવામાં આવ્યું છે.
આરોપીઓએ કાવતરું રચીને લૂંટ કરી હતી. તેમણે અમુક અઠવાડિયાઓ પહેલાં જ્વેલરી શોપની બાજુમાં જ ફળની દુકાન ભાડેથી લીધી હતી. બંને દુકાન વચ્ચે એક જ દીવાલ છે. થોડાક દિવસો સુધી અભ્યાસ કર્યા બાદ આરોપીઓએ દીવાલમાં બાકોરું પાડવા માટે ગેસ કટર તથા અન્ય જરૂરી સાધનો મેળવ્યા હતા. ગઈ 17 જાન્યુઆરીની રાતે જ્વેલરી શોપ બંધ થયા બાદ તેઓ દીવાલમાં બાકોરું પાડીને જ્વેલરી શોપની અંદર ઘૂસ્યા હતા અને ઝવેરાત લૂંટીને ભાગી ગયા હતા. બાતમીદારોએ આપેલી જાણકારીની મદદથી પોલીસે વાશીમાં જઈને બે મુખ્ય આરોપીને પકડી લીધા હતા.