મુંબઈ મહારાષ્ટ્રનું હતું, છે અને રહેશેઃ અજિત પવાર

મુંબઈઃ ‘મુંબઈ શહેર મહારાષ્ટ્રનું હતું, છે અને રહેશે.’ આવો જડબાતોડ જવાબ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન લક્ષ્મણ સાવદીને આપ્યો છે. સાવદીએ ગઈ કાલે એમ કહ્યું હતું કે મુંબઈને કર્ણાટકમાં જોડી દેવું જોઈએ. અને જ્યાં સુધી તેમ કરવામાં ન આવે ત્યાં સુધી કેન્દ્ર સરકારે મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવું જોઈએ. સાવદીની એ ટિપ્પણીના જવાબમાં અજિત પવારે આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક કાર્યાલયમાં આયોજિત ‘જનતા દરબાર’ વખતે જણાવ્યું હતું. પવારે કહ્યું કે કર્ણાટકના લોકોને ખુશ કરવા માટે સાવદીએ એવું નિવેદન કર્યું છે. એમની દલીલ પાયાવગરની છે. એની પર કોઈએ ધ્યાન આપવું ન જોઈએ.

પવારે કહ્યું કે, કર્ણાટકના બેલગામ સહિત જે ગામડાઓ વિશે વિવાદ ચાલે છે એનો અંત ન આવે ત્યાં સુધી એ ભાગને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. એ સૂચન સાથે મુંબઈને કોઈ પ્રકારનો સંબંધ નથી. કર્ણાટકના તે ગામડાઓમાં અનેક વર્ષોથી મરાઠી વિધાનસભ્યો, મેયર, નગરસેવકો ચૂંટાઈને આવ્યા હતા. તેને પગલે મતવિસ્તારોની ફેરરચના કરવામાં આવી હતી. મરાઠીભાષી લોકોના ગામડાઓ સાથે કાનડીભાષી ગામડાઓને જોડી દેવામાં આવ્યા અને ત્યાં મરાઠી મતવિસ્તારો ફોડવામાં આવ્યા. આ ભાગ કર્ણાટકનો જ છે એવું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આમ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યો વચ્ચેના આ વિવાદમાં કેન્દ્ર સરકાર મધ્યસ્થી કરીને કોઈક ઉકેલ લાવે એવી અમને આશા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]