મુંબઈ – મહારાષ્ટ્રની ધાર્મિક સંસ્થાઓએ અને ધર્માદાય આયુક્તાલય દ્વારા સંગઠિત સામુહિક વિવાહ સમારોહ સમિતિના સંયુક્ત સૌજન્યથી મહારાષ્ટ્રના ગરીબ ખેડૂતો અને સમાજના આર્થિક રીતે ગરીબ પરિવારોનાં યુવક-યુવતીઓનાં વિવાહને મદદરૂપ થવાના હેતુથી આયોજિત કરેલો સર્વધર્મ સામુહિક વિવાહ સમારોહ ગત્ 12 મેના રોજ રાજા શિવાજી વિદ્યાલય, દાદર, મુંબઈ ખાતે સંપન્ન થયો હતો.
ધર્માદાય આયુક્ત અંતર્ગત કાર્ય કરતી અનેક સંસ્થાઓએ હંમેશાં શૈક્ષણિક, આરોગ્ય વિષયક અને સામાજિક ઉપક્રમો માટે યથાશક્તિ મદદ કરે જ છે. સમાજમાં આર્થિક રીતે દુર્બળ યુવક-યુવતીઓના સામુહિક વિવાહ માટે મદદરૂપ થઈ શકે તો આ એક સામાજિક દ્રષ્ટિએ ઉચ્ચતમ કાર્ય થઈ શકે અને સમાજમાં ગરીબ ક્ષેત્રના લોકોમાં આપણાપણાની ભાવના જાગૃત કરવામાં સહાયક થઈ શકે. આ એક ધર્માદાય ઉદ્દેશ્ય છે.
ધર્માદાય આયુક્ત શિવકુમાર ડિગેના આવા ઉમદા વિચારોથી પ્રેરિત થઈને એમના માર્ગદર્શન હેઠળ મુંબાદેવી મંદિર ટ્રસ્ટ, મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ, શ્રી સ્વયંભૂ ગણેશ દેવસ્થાન ટ્રસ્ટ, શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મહારાજ ટ્રસ્ટ તથા શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ જેવી સંસ્થાઓએ આર્થિક મદદ કરી છે. ધર્માદાય આયુક્ત કાર્યાલયમાંથી સહ-આયુક્ત મ.મ. સય્યદ, કરમરકર, સુનિતા તરાર તથા ધર્માદાય ઉપાયુક્ત ભરત વ્યાસ, સુવર્ણા જોશી, સહાયક ધર્માદાય આયુક્ત – મોહન ગાડે, પ્રવિણ જગદાળે, રાજેશ ઈંગોલે, રાજેન્દ્ર કાનડે, શરદ વાલકે, સુધીર કાંબળે, છાયા ઉમરેડકર, અમિતસિંહ મોહને, દિશા પજઈ, નાઝિયા શેખ, રાજુ પેરે તથા સામુહિક વિવાહ સમારોહ સમિતિના સભ્ય તેમજ એડવોકેટ શૈલેષ જાધવના અથાક પરિશ્રમથી આ સામુહિક વિવાહ સમારોહ સરસ રીતે સંપન્ન થયો હતો.
એકઠી થયેલી રકમમાંથી નવદંપતીઓને મંગળસૂત્રની સાથે ઘરની જરૂરી સાધનસામગ્રી આપવામાં આવી હતી. સર્વધર્મ સમભાવની ભાવનાથી દરેક ધર્મનું સમ્માન કરી તેમની પરંપરાગત વિધિથી આ વિવાહ સમારોહ સંપન્ન થયો હતો.
કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યપ્રધાન રામદાસ આઠવલે, મહારાષ્ટ્રના ઔદ્યોગિક પ્રધાન સુભાષ દેસાઈ, ભાજપ મુંબઈ એકમના પ્રમુખ અને વિધાનસભ્ય એડવોકેટ આશિષ શેલાર, શાસ્ત્રીય ગાયિકા ડો. સોમા ઘોષ જેવા મહેમાનોએ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ અવસરે શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ સંસ્થાનાં સભ્ય-બહેનો સાથે સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી પ્રતિભા સાવંત તથા અન્ય પ્રતિનિધિઓએ કરેલી સહાય માટે એમનો આભાર સત્કાર કરવામાં આવ્યો હતો.