મુંબઈના ડબ્બાવાળાઓએ પ્રિન્સ હેરી માટે ફેટો, મેઘન માટે સાડી ખરીદી

મુંબઈ – બ્રિટનના શાહી પરિવારમાં લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યો છે. પ્રિન્સ હેરી ભૂતપૂર્વ અમેરિકન અભિનેત્રી મેઘન માર્કલ સાથે 19 મેએ લગ્ન કરવાના છે. મુંબઈના જાણીતા ડબ્બાવાળાઓ (ટિફિન સર્વિસવાળાઓ)એ શાહી લગ્નમાં અનોખી રીતે સામેલ થવાના છે. એમણે વરરાજા હેરી માટે એક ફેટો (પાઘડી) અને કન્યા મેઘન માટે એક સાડી ખરીદ્યાં છે.

ડબ્બાવાળાઓએ આજે મુંબઈ મહાનગરમાં લંચ બોક્સથી ભરેલી સાઈકલો પર જુદી જુદી ઓફિસોએ ફરવાના એમના રાબેતા મુજબની સેવામાંથી બ્રેક લીધો હતો અને તેઓ મધ્ય મુંબઈમાં લાલબાગ વિસ્તારની એક દુકાને ગયા હતા. ત્યાંથી એમણે પ્રિન્સ હેરી માટે રંગબેરંગી ફેમસ કોલ્હાપુરી ફેટો અને મેઘન માટે પરંપરાગત મહારાષ્ટ્રીય પૈઠણી સાડી ખરીદી હતી. આ બંને ચીજ ડબ્બાવાળાઓ તરફથી યુગલને ભેટ આપવામાં આવશે.

પ્રિન્સ હેરીના પિતા પ્રિન્સ ચાર્લ્સના લગ્નમાં હાજરી આપવાનું ડબ્બાવાળાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

33 વર્ષીય પ્રિન્સ હેરી અને 36 વર્ષની મેઘન 19 મેએ વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જીસ ચેપલ ખાતે લગ્નગ્રંથિથી જોડાવાનાં છે.

પ્રિન્સ ચાર્લ્સ 2003માં મુંબઈની મુલાકાતે આવ્યા હતા ત્યારે ડબ્બાવાળાઓને ખાસ મળ્યા હતા અને એમની ટિફિન સેવા વિશે જાણકારી મેળવી હતી. મુંબઈના ડબ્બાવાળાઓ નોકરિયાતો તથા ધંધાદારી લોકોને એમની ઓફિસો તથા દુકાનો-પેઢીઓ ખાતે ટિફિન પહોંચાડવામાં ચોક્સાઈ અને નિયમિતતા માટે જાણીતા છે.