મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિરોધપક્ષ મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો શિવસેના (યૂબીટી) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ આજે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે – આવતા છ મહિનામાં જ ચૂંટણી યોજાશે. એનસીપીના સંસદસભ્ય સુનીલ તટકરે અને શિવસેના (યૂબીટી)ના સાંસદો સંજય રાઉત તથા વિનાયક રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં અસ્થિર રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવે એવી શક્યતા છે. ઉદ્ધવ ઠાકરેએ ગયા અઠવાડિયે જ એમના પક્ષના કાર્યકર્તાઓને આદેશ આપ્યો હતો કે તેઓ મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહે. એનસીપીના પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ નાના પટોલે પણ વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની સંભાવના વ્યક્ત કરી ચૂક્યા છે.
288-સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની હવે પછીની ચૂંટણી 2024ના ઓક્ટોબર કે તે પહેલાં નિર્ધારિત છે. છેલ્લે, 2019માં ચૂંટણી યોજાઈ હતી. એમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ને બહુમતી મળી હતી, પરંતુ આંતરિક ઘર્ષણને કારણે શિવસેનાએ એનડીએ ગ્રુપ છોડી દીધું હતું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા હતા.