મુંબઈ – આ વર્ષે ચોમાસું મુંબઈમાં 20 દિવસ મોડું બેઠું હતું, પણ એક વખત શરૂ થયા પછી સારો એવો વરસાદ મહાનગરને આપી દીધો છે. આ રાહતથી પ્રેરિત થઈને મહાનગરપાલિકાએ આખા શહેરમાં લાગુ કરેલો 10 ટકા પાણી કાપ ઉઠાવી લીધો છે.
બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ ગઈ કાલથી જ પાણી કાપ ઉઠાવી લીધો છે, જે તેણે 2018ના નવેંબરમાં લાદ્યો હતો.
જોકે મુંબઈ અને ઉપનગરોનાં રહેવાસીઓ માટે પીવાના પાણી વિશેની ચિંતા સાવ દૂર થઈ નથી. મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં પાણીનો જથ્થો 50 ટકા જ છે. હજી સુધી સાતમાંથી માત્ર એક જ જળાશય – તુલસી જ છલકાયું છે. ગયા વર્ષે જુલાઈની 19 તારીખ સુધીમાં જળાશયો 75 ટકા ભરાઈ ગયા હતા.
વિરોધ પક્ષો અને જળસંચય નિષ્ણાતોનું કહેવું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અમુક જ મહિના દૂર છે એટલે રાજકીય લાભ મેળવવા માટે પાણી કાપ ઉઠાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે. વાસ્તવમાં મુંબઈને પાણી કાપ કરતાં પણ વધારે સારા વોટર મેનેજમેન્ટની જરૂર છે, એવું નિષ્ણાતોનું કહેવું છે.
મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે ચોમાસાના હજી બે મહિના બાકી છે – ઓગસ્ટ અને સપ્ટેંબર. આ મહિનાઓમાં પૂરતો વરસાદ પડશે અને જળાશયો છલકાઈ જશે એવી તેમને આશા છે.
પાણી કાપને લીધે કોલાબા (દક્ષિણ મુંબઈ), ચારકોપ (કાંદિવલી, ઉત્તર મુંબઈ), જોગેશ્વરી (ઉત્તર મુંબઈ) જેવા અમુક વિસ્તારોનાં લોકોને વધારે માઠી અસર પડી હતી, કારણ કે આ વિસ્તારો થોડાક ઊંચાઈ પર આવેલા છે.
ગયા ગુરુવારે ભાજપના પ્રધાન અને ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગરે માગણી કરી હતી કે 10 ટકાનો પાણી કાપ દૂર કરવામાં આવે.
વિરોધ પક્ષોનું કહેવું છે પાણી કાપ દૂર કરવાનો નિર્ણય ઉતાવળે લેવાયો છે. નાગરિકોની તકલીફ દૂર કરવાના પ્રયાસોને બદલે આ તો રાજકારણ વધારે દેખાય છે. કોઈ પ્રધાન પાણી કાપ દૂર કરવાની માગણી કેવી રીતે કરી શકે? અને બીએમસી એની પર તાત્કાલિક રીતે નિર્ણય કેવી રીતે લઈ શકે? એવો સવાલ બીએમસીમાં વિપક્ષી નેતા રવિ રાજાએ કર્યો હતો.
વોટર એક્સપર્ટ અને મુંબઈના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર મધુકર કાંબળેએ કહ્યું છે કે મુંબઈમાં પાણીનો બચાવ કરવા માટે બીએમસી વહીવટીતંત્રએ વધારે પગલાં લેવાની જરૂર છે. પાણીના ગળતર અને વેડફાટને રોકવાના જો પગલાં લેવામાં આવે તો 25 ટકાથી પણ વધારે પાણીનો બચાવ થઈ શકે.