મુંબઈઃ ભરતી વખતે જૂહુ ચોપાટીના જોખમી બનેલા દરિયામાં તરવા પડેલી બે યુવતીનું મોત

0
849

મુંબઈ – તરવાનું જોખમી હોવા છતાં દરિયામાં પડતાં અને મોજાં ખેંચી જતાં બે યુવતીનું ગઈ કાલે અહીં મૃત્યુ નિપજ્યું છે. આ દુર્ઘટના ગઈ કાલે સાંજે જૂહુ બીચ પરના દરિયામાં બની હતી.

બે યુવતીમાં એક સગીર વયની હતી.

સાંજે લગભગ 5.30 વાગ્યાના સુમારે બે મહિલા ત્યાં હાજર લોકો તેમજ બીચ ગાર્ડ્સની સતત ચેતવણી છતાં દરિયાનાં પાણીમાં તરવા માટે આગળ વધી હતી. દરિયામાં એ વખતે ભરતી હતી, શક્તિશાળી મોજાં ઉછળી રહ્યાં હતાં.

આખરે એ બંને મહિલાને કાતિલ મોજાં તાણી ગયાં હતાં. લગભગ કલાક બાદ બંનેનાં મૃતદેહ કિનારે લાવી શકાયા હતા.

મૃતક મહિલાને માયા મહેન્દ્ર (29) અને નિશા કરણપાલ સિંહ (15) તરીકે ઓળખી કાઢવામાં આવી છે.

સાંતાક્રૂઝ પોલીસ બંને મૃતદેહને ઓટોપ્સી માટે કૂપર હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

બંને મહિલા સાયન ઉપનગરની રહેવાસી હતી અને જૂહુના દરિયાકિનારે પિકનીક માણવા આવી હતી.