મુંબઈ – મની લોન્ડ્રિંગના એક કેસના સંબંધમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના વડા રાજ ઠાકરે ફરમાન કરાયા મુજબ આજે અહીં દક્ષિણ મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની ઓફિસમાં હાજર થયા છે. ત્યાં એમની પૂરપરછ કરવામાં આવી રહી છે.
રાજ ઠાકરે એમના પરિવારજનોની સાથે ઈડી કાર્યાલયમાં પહોંચ્યા હતા.
ઠાકરે આજે સવારે 11.30 વાગ્યે ઈડી ઓફિસમાં પહોંચ્યા હતા. એમની સાથે એમના પત્ની શર્મિલા, પતિ અમિત અને પુત્રી મિતાલી પણ હતાં.
રાજ ઠાકરે એકલા જ ઈડી ઓફિસમાં દાખલ થયા હતા અને એમના પરિવારજનો નજીકની એક હોટેલમાં રોકાયાં હતાં.
આ કેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ (IL&FS) કંપનીએ કોહિનૂર CTNL કંપનીને આપેલી લોનમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને માલૂમ પડેલી ગેરરીતિઓને લગતો છે. રાજ ઠાકરે કોહિનૂર કંપનીમાં ભાગીદાર હતા, પણ બાદમાં એમાંથી નીકળી ગયા હતા. તેઓ કંપનીથી શા માટે છૂટા થયા હતા એ જાણવા માટે એમને ઈડી ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે.
દરમિયાન, મનસે પાર્ટીના કાર્યકર્તાઓ બેકાબૂ બની ન જાય એ માટે મુંબઈ પોલીસે ઈડી ઓફિસની બહાર તથા રાજ ઠાકરે જ્યાં રહે છે તે દાદર ઉપનગરના કેટલાક વિસ્તારો તથા મધ્ય મુંબઈના અમુક વિસ્તારોમાં ક્રિમિનલ પ્રોસીજર કોડની 144મી કલમ લાગુ કરી છે. આ કલમ અંતર્ગત રસ્તા પર ગેરકાયદેસર રીતે ભેગા થવાની મનાઈ છે.
પોલીસને ડર હતો કે રાજ ઠાકરેને ઈડી ઓફિસમાં હાજર થવાનું તેડું આવતાં મનસે પાર્ટીનાં કાર્યકર્તાઓ ગુસ્સામાં આવીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને બગાડી નાખશે. એટલે પોલીસે જરૂર જણાઈ છે ત્યાં કડક બંદોબસ્ત ગોઠવ્યો છે.
રાજ ઠાકરેએ પણ એમની પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે એમણે ઈડી ઓફિસની બહાર એકત્ર થવું નહીં.