મહારાષ્ટ્રનાં પૂરગ્રસ્તોની મદદે આવ્યું બોલીવૂડ; લતા મંગેશકર, આમિર ખાને લાખો રૂપિયા દાનમાં આપ્યાં

0
917

મુંબઈ – મહારાષ્ટ્રમાં આવેલા ભયાનક પૂરને પગલે અસર પામેલાં લોકોનાં પુનર્વસન કાર્યો માટે મહારાષ્ટ્ર સરકારને મદદરૂપ થવા માટે મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં દાન આપવામાં ફિલ્મ જગત આગળ આવ્યું છે. આમાં દંતકથાસમાન પાર્શ્વગાયિકા લતા મંગેશકર અને સુપરસ્ટાર આમિર ખાનનો સમાવેશ થાય છે.

લતા મંગેશકરે રૂ. 11 લાખ દાનમાં આપ્યાં છે તો આમિર ખાને રૂ. 25 લાખનું યોગદાન આપ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમનો આભાર માન્યો છે.

ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું છે કે, ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં રૂ. 25 લાખનું દાન આપવા બદલ આમિર ખાન તમારો આભાર. મહારાષ્ટ્ર પૂરસંકટ.

ફડણવીસે લતા મંગેશકર વિશે લખ્યું છેઃ ‘ચીફ મિનિસ્ટર રીલિફ ફંડમાં રૂ. 11 લાખનું દાન આપવા બદલ અમે માનવંતા લતા દીદીનાં પણ આભારી છીએ. મહારાષ્ટ્ર પૂરસંકટ.’

જાણીતા બોલીવૂડ તથા મરાઠી ફિલ્મોનાં અભિનેતા મહેશ માંજરેકરે મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં રૂ. 1,11,111નું દાન કર્યું છે તેમજ બીજાં 2 લાખ 4 હજારની રકમનું દાન મેળવી આપવામાં સરકારને મદદ કરી છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં સાંગલી, કોલ્હાપુર, તળ કોંકણ, નાશિક સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે વિનાશકારી પૂર આવ્યું હતું.

પૂર સંબંધિત આફતોને કારણે રાજ્યમાં અનેક મરણો થયા છે. સૌથી વધારે ખરાબ અસર સાંગલી જિલ્લામાં થઈ છે. ત્યાં 26 જણ માર્યા ગયા છે. કોલ્હાપુરમાં 10, સાતારામાં 8, પુણેમાં 9 અને સોલાપુરમાં એક જણનું મરણ નિપજ્યું છે. કોલ્હાપુર, સાંગલી અને પુણે જિલ્લાઓમાં અમુક લોકો લાપતા થયા છે.