બેન્ક કૌભાંડ કેસમાં NCPના નેતા અજીત પવાર સહિત 76 જણ સામે મુંબઈ પોલીસે FIR નોંધી

મુંબઈ – રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને આજે મોટો ફટકો પડ્યો છે. તેના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, 31 બેન્ક મેનેજરો સહિત 76 જણ સામે મુંબઈ પોલીસે એક બેન્ક કૌભાંડના કેસમાં ગુનો નોંધ્યો છે.

પાંચ દિવસની અંદર FIR (પ્રથમદર્શી અહેવાલ) નોંધવા અને કૌભાંડ કેસમાં તાત્કાલિક તપાસ હાથ ધરવાનો મુંબઈ હાઈકોર્ટે ગયા ગુરુવારે આપેલા આદેશને પગલે મુંબઈ પોલીસે આ પગલું ભર્યું છે.

મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેન્કમાં રૂ. 1000 કરોડના કૌભાંડના સંબંધમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર, એમના ભત્રિજા અજીત પવાર તથા બીજા 70થી વધુ લોકો સામે એફઆઈઆર નોંધવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માથા પર આવી છે (વર્ષના અંતભાગમાં નિર્ધારિત છે) ત્યારે હાઈકોર્ટના નિર્ણય અને મુંબઈ પોલીસના પગલાંને કારણે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.

હાઈકોર્ટના ન્યાયાધીશો એસ.સી. ધર્માધિકારી અને એસ.કે. શિંદેની વિભાગીય બેન્ચે ઠેરવ્યું હતું કે આ કેસમાં પ્રાથમિક રીતે વિશ્વસનીય પુરાવો છે. એ સાથે જ ન્યાયાધીશોએ મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગને આદેશ આપ્યો હતો કે તે કાયદાની સંબંધિત જોગવાઈઓ અનુસાર કાર્યવાહી શરૂ કરે.

આ કેસમાં પવાર કાકા-ભત્રિજા ઉપરાંત એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલનું પણ નામ છે.

આ કૌભાંડ અંગેની જનહિતની અરજી મુંબઈના સુરિન્દર એમ. અરોરા નામના એક કાર્યકર્તાએ ત્રણ વર્ષ પહેલાં નોંધાવી હતી. એમણે અરજીમાં આ નેતાઓ ઉપરાંત બીજા ઘણા જાણીતા નેતાઓ, સરકારી તથા બેન્ક અધિકારીઓનાં પણ નામ આપ્યાં છે.

એવો આરોપ છે કે વર્ષ 2007-2011 વચ્ચેના સમયગાળા દરમિયાન રાજ્યની આ સર્વોચ્ચ સહકારી બેન્કને રૂ. 1000 કરોડ જેટલી રકમની ખોટ કરાવાઈ હતી.

એવો આરોપ છે મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્કની અત્યંત મનમાની પદ્ધતિને કારણે બેન્કને કરોડો રૂપિયાનું દેવું થયું છે અને આર્થિક નુકસાન ગયું છે.

પોતાની પરના આરોપોને અજીત પવારે હજી બે દિવસ પહેલાં જ નકારી કાઢ્યા હતા. એમણે કહ્યું કે કોર્ટે 75 જણ વિશે ચુકાદો આપ્યો છે. હું બેન્કની એકેય લોન કમિટીમાં અને એક્ઝિક્યુટિવ કમિટીમાં સામેલ નહોતો. 75 જણ પૈકી ભાજપના હયાત નથી એ પ્રધાન ભાઉસાહેબ ફુંડકર, કેન્દ્રમાં શિવસેનાનાં ભૂતપૂર્વ પ્રધાનનો પણ એમાં સમાવેશ હતો. પણ મિડિયાને માત્ર અજીત પવાર જ દેખાય છે. મેં આ બેન્ક કૌભાંડમાં એક પણ રૂપિયાની ઉચાપત કરી નથી.