મુંબઈ – નિર્ધારિત સામાન કરતાં જે પ્રવાસીઓ વધારે સામાન સાથે ટ્રેનમાં ચડશે એમને મોટી પેનલ્ટી લાગુ કરવામાં આવશે એવો ભારતીય રેલવેએ નિર્ણય લીધો હતો, પણ એની ખૂબ ટીકા થયા બાદ રેલવેએ પોતાનો એ ઓર્ડર પાછો ખેંચી લીધો છે.
રેલવેએ આ માટે કહ્યું છે કે પ્રવાસીઓમાં જાગૃતિ ઊભી કરવા માટે ઓર્ડર ઈસ્યૂ કરવામાં આવ્યો હતો.
રેલવેના એ ઓર્ડરમાં એમ જણાવાયું હતું કે જે પ્રવાસીઓ નિર્ધારિત મર્યાદા કરતાં વધારે સામાન લઈને ટ્રેનમાં ચડશે એમની પાસેથી નિર્ધારિત ફી કરતાં છ ગણી રકમ વસુલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસમાં પ્રવાસ કરનારને અનુક્રમે 40 કિલો અને 35 કિલો વજન સુધીનો લગેજ સાથે લઈ જવા દેવામાં આવે છે. એવી જ રીતે, એસી ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરનાર વ્યક્તિ પોતાની સાથે મફતમાં 70 કિલો સુધીનો લગેજ લઈ શકે છે. પ્રવાસી વધુમાં વધુ 150 કિલો વજનનો સામાન સાથે લઈ જઈ શકે છે, પણ એ માટે તેણે એક્સ્ટ્રા 80 કિલો સામાન માટે ફી ચૂકવવી પડે. જે લોકો એવી ફી ચૂકવ્યા વગર વધુપડતો સામાન લઈ જાય તો એમની પાસેથી છ ગણી ફી વસુલ કરવી એવું તે ઓર્ડરમાં જણાવાયું હતું.
એસી ટુ-ટાયરમાં પ્રવાસી દીઠ મફતમાં 50 કિલોનો સામાન અને ફી ચૂકવીને બીજો 50 કિલો સામાન લઈ જવા દેવાની છૂટ અપાઈ છે.
ઘણા લોકો ટ્રેનમાં વધુપડતો સામાન લઈને ચડતા હોવાથી અન્ય પ્રવાસીઓને તકલીફ પડતી હોય છે એવી ઘણા પ્રવાસીઓ તરફથી રેલવે તંત્રને ફરિયાદો મળી હતી.