રાહુલ ગાંધી મંગળવારે મુંબઈ આવશે; 1000 રિક્ષાચાલકો એમનું સ્વાગત કરશે

મુંબઈ – મહારાષ્ટ્રના શાસક ભાગીદાર પક્ષો ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે બગડેલા સંબંધોનો લાભ ઉઠાવવા માટે કોંગ્રેસ પાર્ટી જે મોકો મળે એ ઝડપી લેવા તત્પર થઈ છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આવતા મંગળવારે મુંબઈની મુલાકાતે આવી રહ્યા છે. એમનું સ્વાગત શહેરના 1000 ઓટોરિક્ષા ચાલકો કરવાના છે.

મુંબઈ કોંગ્રેસના પ્રમુખ સંજય નિરુપમે પત્રકારોને કહ્યું કે રાહુલ ગાંધી મંગળવારે મુંબઈ આવશે ત્યારે 1000 ઓટોરિક્ષા ડ્રાઈવરો એમની રિક્ષાઓ સહિત એમનું સ્વાગત કરશે. આમ કરવા પાછળનો પક્ષનો હેતુ એ બતાવવાનો છે કે કોંગ્રેસ પ્રમુખ પ્રત્યે સામાન્ય લોકોને કેટલી બધી લાગણી છે. રાહુલે કહ્યું છે કે સામાન્ય લોકોના મત, એમની ફરિયાદો અને માહિતી પક્ષના નેતાઓ સુધી પહોંચવી જોઈએ. માટે જ મંગળવારે એમનું સ્વાગત સામાન્ય લોકો જેવા રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવશે.

રાહુલ મંગળવારે સવારે ભિવંડી જવાના છે. ત્યાંથી બપોરે મુંબઈ આવશે. ગોરેગામ (ઈસ્ટ)ના એનએસઈ મેદાન ખાતે આયોજિત કાર્યક્રમમાં તેઓ પક્ષના બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. રાહુલ કોંગ્રેસની ‘પ્રોજેક્ટ શક્તિ’ યોજના શરૂ કરવાના છે. આ યોજનાનો ઉદ્દેશ્ય પક્ષના કાર્યકર્તાઓને સક્ષમ બનાવવા અને કાર્યકર્તાઓ તથા કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે સંવાદ શરૂ કરાવવાનો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]