મુંબઈ – 2015માં બોલીવૂડ નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટને મારી નાખવાનું કાવતરું ઘડવા કરવા બદલ મુંબઈની વિશેષ અદાલતે 10 આરોપીઓને આજે અપરાધી જાહેર કરી એ દરેકને પાંચ-પાંચ વર્ષની સખત પરિશ્રમવાળી જેલની સજા ફટકારી છે.
આ તમામ અપરાધીઓ રવિ પૂજારી ગેંગના છે. પૂજારી પોતે ફરાર છે.
સ્પેશિયલ MCOCA કોર્ટના જજ શ્રીધર ભોસલેએ અપરાધીઓને ઈન્ડિયન પીનલ કોડની કલમ 120-બી તેમજ શસ્ત્રોને લગતા કાયદાનો ભંગ કરવા બદલ દસેય અપરાધીઓને સજા સંભળાવી છે. જોકે બે આરોપીને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે. અપરાધી જાહેર કરાયેલાઓ પર આરોપ છે કે એમણે મહેશ ભટ્ટને મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. ભટ્ટની હત્યા કરી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દહેશત ફેલાવવાના આશય સાથે ભટ્ટને મારી નાખવાનો ઓર્ડર રવિ પૂજારીએ આ 10 જણને આપ્યો હતો.
જે દસ જણને કેદની સજા ફરમાવવામાં આવી છે એમના નામ છે – ઈશરત શેખ, મોહમ્મદ હસનત શેખ, અઝિમ ખાન, અશ્ફાક સય્યદ, આસિફ ખાન, શાહનવાઝ શેખ, ફિરોઝ સય્યદ, શાબીર શેખ, રહિમ ખાન અને અનિસ મર્ચંટ. રવિકેશ સિંહ અને યુસુફ કાદરીને નિર્દોષ જાહેર કરાયા છે.