બાળક સ્વિમિંગ-પૂલમાં ડૂબી ગયો; રિસોર્ટના માલિકો સામે પોલીસ કેસ

પાલઘરઃ મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના બોઈસર શહેર નજીક આવેલા એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં 9 વર્ષના એક છોકરાનું ડૂબી જવાથી મરણ નિપજ્યાની કરૂણ ઘટના બની છે. પોલીસે ‘મામાચા ગાંવ’ નામક રિસોર્ટના માલિકો સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે.

આ દુર્ઘટના 26 ડિસેમ્બરે બ્રેકફાસ્ટ ટાઈમ બાદ બની હતી. વિસ્તારની એક શાળાના 28 વિદ્યાર્થીઓ એમના શિક્ષકો અને માતાપિતાની સાથે રિસોર્ટની મુલાકાતે આવ્યા હતા. એમાંનો એક, રુદ્ર વારકાદા નામનો વિદ્યાર્થી બપોરના સમયે સ્વિમિંગ પૂલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે ચોથા ધોરણનો વિદ્યાર્થી હતો. એને રિસોર્ટથી ચાર કિલોમીટર દૂર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ એને મૃત લાવેલો ઘોષિત કર્યો હતો.

રુદ્રના માતાપિતાનો આક્ષેપ છે કે સ્વિમિંગ પૂલ ખાતે કોઈ લાઈફગાર્ડ્સ નહોતા. સ્વિમિંગ પૂલમાં અઢી મીટર પછી 5.5 મીટરની ઊંડાઈ સુધી એક ઢાળ છે.