મુંબઈઃ કાંદિવલી (વેસ્ટ)ની પ્રતિષ્ઠિત કે.ઈ.એસ. શ્રોફ કોલેજના સેન્ટર ફોર હ્યુમન વેલ્યુઝ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા પર ગયા વરસની જેમ આ વરસે પણ સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરાયું છે. યોગાનુયોગ ગીતા જંયતિના દિવસે, એટલે કે આગામી તા.૩ ડિસેમ્બરથી ૨૦ ડિસેમ્બર દરમિયાન યોજાશે. ગયા વરસે કોરોનાના માહોલને લીધે આ કોર્સ માત્ર ઓનલાઈન ધોરણે યોજાયો હતો, જે આ વખતે વિધાર્થીઓ માટે ઓફલાઈન છે અને વિધાર્થી ન હોય એવા વર્ગ માટે ઓનલાઈન છે. કેઈએસના વિધાર્થીઓ ઉપરાંત અન્ય કોલેજોના વિધાર્થીઓ પણ આમાં ભાગ લઈ શકશે. જયારે કે જાહેર અન્ય વર્ગ ઓનલાઈન માર્ગે ભાગ લઈ શકશે.
આ કોર્સમાં ૧૮ અધ્યાયોને આવરી લઈ 18 દિવસ દરરોજ સાંજે 5-30થી 8-00 વાગ્યા સુધી એક-એક અધ્યાય પર રસપ્રદ જ્ઞાન સત્ર યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના વિદ્ધાન વક્તાઓ અધ્યાયના ગૂઢ ભાવાર્થની સમજૂતી આપશે. આ કોર્સ માટેની રજિસ્ટ્રેશન ફી વિધાર્થી માટે રૂ. ૧૩૦૦ છે અને જાહેર જનતા માટે રૂ.૧૫૦૦ છે. કોર્સમાં ભાગ લેવા ઈચ્છનારે ૨૦ નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું જોઈશે.
કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના વાઈસ પ્રેસિડન્ટ અને ટ્રસ્ટી મહેશ શાહ જણાવે છે કે વિધાર્થીઓ ગીતાના નામથી પરિચિત હોય છે, પરંતુ તેમને જીવનમાં ગીતાના ઉપયોગ વિશે જાણ કે સમજ હોતી નથી. આ કોર્સથી વિધાર્થીઓને અનેક લાભ થશે. આ વરસે કોલેજની થીમ ઈન્વોલ્વ એન્ડ ઈવોલ્વ (સામાન્યથી ક્રમશ ઉચ્ચત્તર બનવા સુધીની વિકાસ યાત્રા) છે. ભગવદ્ ગીતામાંથી જીવનની પદ્ધતિસર અને દાર્શનિક સમજ મળી રહે છે. જીવનના પડકારો સામે ઊભા રહેવાની શિક્ષા પણ ગ્રંથમાં સમાયેલી છે.
મહેશ ભાઈ શાહ કહે છે, જીવન અનેક પડકારોથી ભરેલું છે. ગીતાનું જ્ઞાન વ્યક્તિનું મન એકાગ્ર અને શાંત કરવામાં, એની નિર્ણયશક્તિ વધારવામાં અને અન્ય પ્રત્યે અનુકંપા જન્માવવામાં મદદરૂપ બનશે. બુધ્ધિ જીવનની રાહ પર વિવેકપૂર્ણ નિર્ણય લઈ શકશે. શાહ ઉમેરે છે કે આ કોર્સના હેતુ જીવનના વિશાળ બોધને ઓળખીને ગ્રહણ કરવા, વ્યક્તિના સર્વગ્રાહી વિકાસ પર ભાર મૂકવા, સામાજિક અને વ્યક્તિગત સિદ્ધિને એકરૂપ જોવાનું શીખવવા અને વ્યક્તિની આંતરચેતનાનો વિકાસ કરાવવાનો છે.
વકતાઓમાં કોણ-કોણ?
આ કોર્સ માટેના પ્રતિષ્ઠિત વિદ્રાન વક્તાઓમાં તદ્રુપાનંદજી, સ્વામી તન્મયાનંદજી, ભાઈશ્રી રમેશ ઓઝા, ડો. જયંતિ રવિ, સ્વામી વિદિતાત્મનંદજી, સ્વામી નિજાનંદ સરસ્વતી, ભાગ્યેશ જહા, સ્વામીની સમાનંદજી વગેરેનો સમાવેશ થાય છે.
કેવી રીતે યોજાશે કોર્સ?
આ કોર્સના દરેક વર્ગની શરૂઆત મંત્રોચ્ચારથી થશે. વર્ગના પહેલા ભાગમાં મંત્રોચ્ચારના અર્થ અને અધ્યાયના ભાવાર્થ સમજાવવામાં આવશે. બીજા ભાગમાં અધ્યાયની વિગતવાર સમજૂતી આપવામાં આવશે, જેમાં કેટલાક વક્તા ઓડિયો-વિઝ્યુઅલનો પણ ઉપયોગ કરશે. સત્રના અંતિમ ભાગનો સમય સવાલ-જવાબ માટે રખાશે.
આ કોર્સનો લાભ લેવા ઈચ્છનારે કોલેજની ઓફિસ અથવા ગેટ-નં-1 પર મૂકવામાં આવેલા કાઉન્ટર પર ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કોર્સની વધુ વિગતો અને પ્રવેશ માટે ઈવા ભણશાલી- ૮૬૫૭૪૩૫૧૦૫ અને પ્રેમ કોટેચા-૬૩૫૫૯૬૨૭૮૫ નો સંપર્ક કરી શકાશે.
સત્ર માટેનું સ્થળઃ પંચોલિયા હોલ, કે.ઈ.એસ. શ્રોફ કોલેજ, કાંદિવલી(વેસ્ટ)
તારીખઃ ૩ ડિસેમ્બરથી ૨૦ ડિસેમ્બર
સમયઃ સાંજે 5-30થી 8-00