બોરીવલીમાં જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી; ૩૮ જણ કસ્ટડીમાં

મુંબઈ: મુંબઈ પોલીસના ઝોન-૧૧ના જવાનોએ ગેરકાનૂની જુગારની પ્રવૃત્તિઓ પર સપાટો બોલાવ્યો છે. બોરીવલી ઉપનગરની એક હોટેલ પર દરોડો પાડીને પોલીસે ૩૮ જણને પકડીને કસ્ટડીમાં પૂરી દીધા છે.

જુગારના અડ્ડાઓને શોધી કાઢી તપાસ હાથ ધરવા માટે ઝોન-૧૧ના નાયબ પોલીસ કમિશનર અજયકુમાર બંસલે એક ખાસ ટૂકડીની રચના કરી છે.

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી બાતમીને આધારે વિશેષ ટૂકડીએ બોરીવલી વેસ્ટમાં આવેલી હોટેલ ગ્રેનવિલ પર ગઈ કાલે શનિવારે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. એ વખતે ત્યાં ૩૮ જણ જુગાર રમતા હતા. એમની પાસેથી લાખોની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.