મુંબઈઃ શહેરના પોલીસ કમિશનર હેમંત નગરાળેએ તમામ પોલીસ સ્ટેશનો અને ટ્રાફિક વિભાગોને એક સર્ક્યૂલર મોકલ્યો છે જેમાં તેમણે આદેશ આપ્યો છે કે તમામ પોલીસ જવાનોએ તેઓ ફરજ પર હોય એ સંપૂર્ણ સમયે તેમણે ગણવેશ પહેરી રાખવો. જે કોઈ જવાન આ આદેશનું ઉલ્લંઘન કરશે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ કમિશનર નગરાળેએ મુંબઈના 100 પોલીસ સ્ટેશનો અને ટ્રાફિક સર્કલોના તમામ અધિકારીઓને એ ધ્યાન રાખવા કહ્યું છે કે તેઓ ફરજ દરમિયાન ગણવેશ પહેરી રાખે, જેથી દગાબાજ લોકોને પોલીસ અધિકારીના સ્વાંગમાં લોકોને ઠગતા રોકી શકાય. નગરાળેએ એમના આદેશમાં કહ્યું છે કે, એવું જોવા મળ્યું છે કે ઘણા પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલો કાયદો તોડનારાઓ સામે પગલાં ભરતી વખતે યૂનિફોર્મ પહેરતા નથી. નિયમો અનુસાર યૂનિફોર્મ પહેરવો જરૂરી છે. ગુનેગારો આ ટેવનો લાભ ઉઠાવે છે અને નકલી પોલીસોના રૂપમાં જઈને સ્ત્રીઓ અને વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવે છે, એમનો કિંમતી સામાન લૂંટી લે છે. સમાજમાં પોલીસ દળ વિશે બહુ ખરાબ મેસેજ જાય છે.
