મુંબઈમાં મહિલા પોલીસ અધિકારીઓની સુવિધા માટે સેનિટરી પેડ વેન્ડિંગ મશીનો મૂકાયાં

મુંબઈ – મહાનગરમાં મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સુવિધા માટે 100થી વધારે સેનિટરી પેડ વેન્ડિંગ મશીનો ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

પોલીસ વેલ્ફેર સ્કીમ અંતર્ગત, મુંબઈ પોલીસે એક સ્વૈચ્છિક સંસ્થા (NGO)ના સહયોગ સાથે મુંબઈભરમાં મહિલા પોલીસ અધિકારીઓ માટે 100થી વધારે સેનિટરી પેડ વેન્ડિંગ મશીનો અને ઈન્સિનરેટર્સ મૂક્યા છે.

એક્શન કમિટી અગેન્સ્ટ અનફેર મેડિકલ પ્રેક્ટિસીસ સ્વૈચ્છિક સંસ્થાએ બૃહન મુંબઈ પોલીસ સાથે મળીને સ્માર્ટ મૈત્રિણ નામે એક યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત શહેરભરમાં 93 પોલીસ સ્ટેશનો ખાતે 140 સેનિટરી પેડ મશીન્સ ઈન્સ્ટોલ કરવામાં આવશે.

નાયબ પોલીસ કમિશનર નિયતી ઠક્કરનું કહેવું છે કે મુંબઈમાં કુલ પોલીસ દળમાં આશરે 20 ટકા જેટલી મહિલાઓ છે. દરેક કામકાજના સ્થળે આવી બેઝિક સુવિધા હોવી જોઈએ, કારણ કે સ્ત્રીઓ માટે પીરિયડ્સની સમસ્યા કુદરતી છે અને અણધારી હોય છે.

ગયા અઠવાડિયે દક્ષિણ મુંબઈ સ્થિત પોલીસ મુખ્યાલયમાં આવું એક વેન્ડિંગ મશીન ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. તે મશીનનું ઉદઘાટન મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વે અને એમના પત્નીએ કર્યું હતું.

નિયતી ઠક્કરનું કહેવું છે કે મને આશા છે કે અન્ય જાહેર તથા ખાનગી સંસ્થાઓએ આગળ આવવું જોઈએ અને મહિલાઓ માટે એમનાં કામકાજના સ્થળોએ આ સુવિધા પૂરી પાડવી જોઈએ.