મહાનગર લેવલ-2માં સામેલઃ લોકલ-ટ્રેનપ્રવાસ માટે ઉજળા સંજોગ

મુંબઈઃ મુંબઈગરાઓ માટે સારા સમાચાર છે. શહેરનો કોરોનાવાઈરસ પોઝિટીવ દર સુધર્યો છે અને સાથોસાથ, ઓક્સિજન બેડની સંખ્યામાં પણ સુધારો નોંધાયો છે. તેથી મહારાષ્ટ્ર સરકારે રિલીઝ કરેલા નોટિફિકેશન અનુસાર, મુંબઈ તથા એના ઉપનગરો અને આસપાસના વિસ્તારો હવે લેવલ-2માં પ્રવેશ્યા છે.

આ અઠવાડિયે, મુંબઈના કોરોના સંબંધિત આંકડા આ અનુસાર રહ્યા છેઃ

પોઝિટીવિટી રેટઃ 4.40 ટકા

ઓક્સિજન બેડ ઓક્યૂપન્સી રેટઃ 27.12 ટકા.

લેવલ-2 માટેની માર્ગદર્શિકા એવી છે કે, મહારાષ્ટ્ર રાજ્યના જે વિસ્તારોમાં કોરોના પોઝિટીવિટી રેટ પાંચ ટકા કરતાં ઓછો હોય અને ઓક્સિજન ઓક્યૂપન્સી રેટ 25-40 ટકાની વચ્ચે હોય તો એનો નંબર લેવલ-2માં આવે. આ લેવલમાં આવનાર વિસ્તારોને લેવલ-1 જેવી ઘણી સુવિધા મળે છે, માત્ર થિયેટરો, જિમ્નેશિયમ, લગ્નસમારંભ અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની હાજરી 50 ટકા હોવી જોઈએ. મુંબઈગરાંઓને પ્રતીક્ષા છે લોકલ ટ્રેનમાં ફરી પ્રવાસ કરવા મળે એની પરવાનગીની. હવે મુંબઈ લેવલ-2માં આવી જતાં આમ જનતાને લોકલ ટ્રેનોમાં સફર કરવાની પરવાનગી મળી શકે છે. આ અંગે સત્તાવાળાઓ એકાદ-બે દિવસમાં નિર્ણય લે એવી ધારણા છે.