મુંબઈઃ શહેરમાં ચોમાસાના વરસાદનું જોર વધવાની સાથોસાથ દૂષિત પાણી અને રોગવાહક જંતુઓથી ફેલાતી બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે. છેલ્લા એક પખવાડિયામાં મેલેરિયા, ડેંગ્યૂ, ગેસ્ટ્રો, સ્વાઈન ફ્લૂ, લેપ્ટોસ્પાઈરોસિસ, હેપેટાઈટીસ જેવી બીમારીઓએ મુંબઈને ઝપટમાં લીધું છે.
1થી 16 જુલાઈ દરમિયાન શહેરમાં મેલેરિયાના 355, ડેંગ્યૂના 264, લેપ્ટોના 104 અને ગેસ્ટ્રોના 932 દર્દીઓનું નિદાન થયું છે. એ પહેલાં, ગઈ 23 જૂને નાયર હોસ્પિટલમાં 38 વર્ષની એક મહિલાનું લેપ્ટોનો ચેપ લાગવાને કારણે મૃત્યુ થયું હતું. આમ, છેલ્લા અનેક દિવસોથી મુંબઈ રોગચાળાથી ઘેરાયેલું છે.
ચોમાસામાં મેલેરિયા, ડેંગ્યૂ, લેપ્ટો, સ્વાઈન ફ્લૂ જેવા રોગોમાં વધારો થતો હોય છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, ઉક્ત બીમારીઓનું નિદાન થયેલા મોટા ભાગનાં દર્દીઓની સારવાર બાહ્યદર્દી વિભાગ (ઓપીડી) મારફત કરવામાં આવી રહી છે.