મુંબઈઃ મહાનગરમાં કુલ વસ્તીના પાત્રતા ધરાવનાર 55 ટકા લોકોએ કોરોનાવાઈરસ ચેપી બીમારી સામે રક્ષણ આપતી રસીનો સાવધાની ડોઝ કે બૂસ્ટર ડોઝ લઈ લીધો છે. પરંતુ, શહેરના ડોક્ટરોનું માનવું છે કે આ આંકડો હજી નીચો છે. ગઈ 10 જાન્યુઆરીએ બૂસ્ટર ડોઝ લેવાની જાહેરાત કરાયા બાદ મુંબઈમાં પાત્રતા ધરાવનાર 6 લાખ વરિષ્ઠ નાગરિકોમાંથી 3,25,080 લોકોએ, આરોગ્યકર્મીઓએ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓએ પોતપોતાનો બૂસ્ટર ડોઝ લઈ લીધો છે.
મુંબઈના આરોગ્ય અને સિવિલ અધિકારીઓનું માનવું છે કે 55 ટકા આંકડો નીચો રહેવાનું એક કારણ એ હોઈ શકે કે તાજેતરમાં આવેલી ઓમિક્રોન વેરિઅન્ટની લહેર વખતે ઘણા લોકો બીમાર પડી ગયા હશે. અને બીજું, ઘણા લોકોને રસીના બે ડોઝ લઈ લીધા બાદ બૂસ્ટર ડોઝ લેવાની જરૂર જણાઈ નહીં હોય. તેમ છતાં ડોક્ટરોનું કહેવું છે કે પાત્રતા ધરાવનાર નાગરિકોએ બૂસ્ટર ડોઝ પણ લઈ લેવો જોઈએ, જે કોરોના સામે એક મહત્ત્વના અવરોધ તરીકે કામ કરે છે.