મુંબઈઃ ગયા શનિવારથી દહાણુકરવાડી (કાંદિવલી-વેસ્ટ) અને દહિસર (ઈસ્ટ) વચ્ચે શરૂ કરાયેલી મેટ્રો લાઈન 2A તથા દહિસર (ઈસ્ટ)થી આરે કોલોની (ગોરેગાંવ ઈસ્ટ) વચ્ચેની મેટ્રો લાઈન 7ને દર્શકો તરફથી રવિવારે પહેલા જ દિવસે સરસ પ્રતિસાદ મળ્યો હતો. સવારે 6 વાગ્યાથી શરૂ કરાયેલી આ ટ્રેન સેવા રાતના 10 વાગ્યા સુધી ઉપલબ્ધ હોય છે. રવિવારે ટ્રેન સેવામાં અમુક ટેક્નિકલ ખામી ઊભી થઈ હતી, તે છતાં 60,000 જેટલા લોકોએ નવી મેટ્રો ટ્રેનોમાં સફર કરી હતી.
આ ટ્રેનસેવાનું સંચાલન તથા જાળવણીની કામગીરી મહા મુંબઈ મેટ્રો ઓપરેશન્સ કોર્પોરેશન (MMMOCL) કરે છે, જે મુંબઈ મેટ્રોપોલીટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) કંપનીની પેટાકંપની છે. ટ્રેન સેવામાં સોમવારે સવારે પણ ટેકનિકલ ખામી ઊભી થઈ હતી. તેના મેનેજિંગ ડાયરેક્ટર ડી.કે. શર્માએ કહ્યું કે, 60,000 ઘણો સારો આંકડો કહેવાય. પહેલા બે જ કલાકમાં 20,000 લોકોએ ટ્રેનમાં સફર કરી હતી.
મેટ્રો લાઈન-7 પર આરે તરફ જતી ટ્રેન માગાઠાણે સ્ટેશને ખોટકાઈ ગઈ હતી. પ્રવાસીઓને તે ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા અને બીજી ટ્રેન દ્વારા આરે મોકલવામાં આવ્યા હતા. MMMOCL કંપનીએ ટ્વીટ કરીને આ ક્ષતિ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. પ્રવાસીઓ પાટા પર પડી ન જાય એટલા માટે તેમની સલામતીને ખાતર પ્લેટફોર્મ્સ પર પહેલી જ વાર સ્ક્રીન ડોર ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. વર્સોવા-ઘાટકોપર લાઈન (મેટ્રો લાઈન 1) ઉપર પણ આ સિસ્ટમ નથી. આ સિસ્ટમમાં અમુક ટેક્નિકલ ખામી ઊભી થઈ હતી, પરંતુ તે દૂર કરવામાં એન્જિનિયરો, ટેક્નિશિયનો વ્યસ્ત હતા.
આ મેટ્રો ટ્રેનો માટે મિનિમમ ભાડું 3 રૂપિયા છે, જે ત્રણ કિલોમીટરના પ્રવાસ માટે છે. પૂર્વ અને પશ્ચિમ એમ બંને ભાગને આવરી લેતા આ બંને રૂટ પર કુલ 11 ટ્રેન પ્રાપ્ત થઈ છે. હાલ એમાંની 8 ટ્રેનને સેવામાં ઉતારવામાં આવી છે.