શકમંદ ત્રાસવાદી પકડાયો, ATS પોલીસની કસ્ટડીમાં

મુંબઈઃ મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) અને મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની એક સંયુક્ત ટૂકડીએ પડોશના થાણે જિલ્લાના મુંબ્રામાંથી આજે વહેલી સવારે રીઝવાન નામના એક શકમંદ ત્રાસવાદીને પકડ્યો હતો. અધિકારીઓ બાદમાં એને મુંબઈ લઈ આવ્યા હતા અને હોલીડે કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે રીઝવાનને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી છે. એટીએસ અમલદારોના જણાવ્યા મુજબ, સંયુક્ત ટૂકડીએ પકડેલા ઝાકીર હુસૈન શેખ નામના ઈસમે એની પૂછપરછ દરમિયાન રીઝવાનનું નામ આપ્યું હતું અને એને પગલે અધિકારીઓએ મુંબ્રામાં જઈને રીઝવાનની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ વિભાગે દિલ્હીમાં ગયા અઠવાડિયે ત્રાસવાદી હુમલાના એક ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. તે ષડયંત્રમાં રીઝવાનની ભૂમિકાની મહારાષ્ટ્ર એટીએસ તપાસ કરે છે. એવું કહેવાય છે કે પાકિસ્તાનમાંથી મળેલા ટેકાવાળા આતંકવાદી જૂથે ઘડેલા ષડયંત્રની રીઝવાનને જાણકારી છે.

દિલ્હી પોલીસે બહાર પડેલા આતંકવાદી ષડયંત્રના સંબંધમાં ઝાકીર હુસૈન શેખને પણ મુંબઈની સ્પેશિયલ કોર્ટે સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. મહારાષ્ટ્ર એટીએસના જણાવ્યા મુજબ, શેખે દિલ્હીમાં પકડાયેલા ત્રાસવાદી જાન મોહમ્મદ ઉર્ફે સમીર કાલિયાને મુંબઈમાં શસ્ત્રો અને દારૂગોળો લઈ જવા કહ્યું હતું.