સુનીલ શેટ્ટીની સોસાયટીમાં કોરોનાનો ચેપઃ અનેક-માળ સીલ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી અહીં દક્ષિણ મુંબઈમાં જ્યાં રહે છે તે પૉશ એપાર્ટમેન્ટમાં કોરોનાવાઈરસના દર્દીઓ નોંધાતાં મહાનગરપાલિકા (BMC)એ તે બિલ્ડિંગના અનેક માળ સીલ કરી દીધા છે. આ બિલ્ડિંગ છે પૃથ્વી એપાર્ટમેન્ટ, જે અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું છે. આ 30-માળવાળા બિલ્ડિંગમાં 120 ફ્લેટ છે. એમાં કોરોનાના ઘણા કેસ નોંધાતાં મહાપાલિકાના આરોગ્ય વિભાગે મકાનના કેટલાક માળને સીલ કરી દેવાનો નિર્ણય લીધો છે. સુનીલ શેટ્ટી અને એનો પરિવાર જોકે મુંબઈની બહાર ગયાં છે એટલે તેઓ બીએમસીના પગલાની અસરમાં નથી. શેટ્ટી તેની પત્ની માના, પુત્રી અથિયા અને પુત્ર અહાનની સાથે આ મકાનમાં રહે છે.

BMCનો નિયમ છે કે જો કોઈ રહેણાંક મકાનમાં પાંચ કે તેથી વધુ કોરોનાના કેસ નોંધાય તો એ મકાનને સીલ કરવું, જેથી એનો ચેપ આસપાસમાં ન ફેલાય. જ્યાં ધનવાન લોકો વધારે રહે છે તે દક્ષિણ મુંબઈના મલબાર હિલ તથા આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસ વધી જતાં પાલિકાએ ઓછામાં ઓછા 9 મકાન સીલ કરી દીધાં છે. બીએમસીના અધિકારીઓનું કહેવું છે કે કોરોનાની બીજી લહેરમાં ગીચ ઝૂંપડપટ્ટી વિસ્તારોની સરખામણીમાં રહેણાંક મકાનો કે બહુમાળી મકાનોમાં વધારે કેસ નોંધાયા છે.