મુંબઈઃ દક્ષિણ મુંબઈના ચર્ની રોડ ઉપનગરમાં આવેલા સુપ્રસિદ્ધ બાબુલનાથ મંદિરના શિવલિંગમાં તિરાડ પડી જતાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (IIT-B અથવા આઈઆઈટી-પવઈ) સંસ્થાને જાણ કરવામાં આવી છે. તેના નિષ્ણાતોનો અહેવાલ આવ્યા બાદ આગળનો નિર્ણય લેવાશે. મંદિરના સત્તાવાળાઓએ જોકે કહ્યું છે કે શિવલિંગ ખંડિત થયું નથી, મતલબ કે એ તૂટ્યું નથી કે નુકસાન પામ્યું નથી, એવો ફ્રીપ્રેસ જર્નલમાં અહેવાલ છે.
હિન્દુ ધર્મની માન્યતા મુજબ, કોઈ શિવલિંગ ખંડિત થાય તો એની પૂજા કરાતી નથી અને એનું પાણીમાં વિસર્જન કરી દેવામાં આવે છે. બાબુલનાથ મંદિરમાં હાલ શ્રદ્ધાળુઓને શિવલિંગ પર માત્ર પાણી જ રેડવા દેવામાં આવે છે અને ફૂલ પધરાવવા દેવામાં આવે છે. દૂધનો અભિષેક કરવા દેવામાં આવતો નથી. દૂધને કારણે શિવલિંગમાં તિરાડ પડતી હોવાનું મનાય છે. પૂજારીનું કહેવું છે કે દૂધમાં ભેળસેળ થતી હોવાથી શિવલિંગ પર તિરાડો પડે છે.
બાબુલનાથ મંદિર પ્રાચીન સમયનું છે અને ત્યાંનું શિવલિંગ સ્વયંભૂ છે.