મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 (T1)ને આવતીકાલ, 13 ઓક્ટોબરથી ઘરેલુ ફ્લાઈટ્સ માટે ખુલ્લું મૂકવામાં આવશે. ગોફર્સ્ટ એરલાઈન આવતીકાલથી તેની ડોમેસ્ટિક વિમાન સેવા ટર્મિનલ-1 પરથી શરૂ કરશે. આ જાણકારી CSMIA અને ગોફર્સ્ટ દ્વારા એમના ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે. અત્યારે મુંબઈ એરપોર્ટ પર ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ, એમ તમામ સેવાઓ ટર્મિનલ-2 (T2) પરથી જ કરવામાં આવે છે. સામાન્ય રીતે T2નો ઉપયોગ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સના સંચાલન માટે જ કરાય છે, પરંતુ કોરોનાવાઈરસ મહાબીમારીની બીજી લહેરના ફેલાવાને કારણે એરપોર્ટ સત્તાવાળાઓએ ગયા એપ્રિલના મધ્યભાગથી T1 પરથી વિમાન સેવાઓ સ્થગિત કરી હતી અને T2 પરથી જ બધી સેવાઓ ચાલુ રાખી હતી.
તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ હોવાથી ગઈ 8 ઓક્ટોબરે વિમાન પ્રવાસીઓ અને વિમાનોની સંખ્યામાં ખૂબ વધારો થયો હતો. એને કારણે અમુક ફ્લાઈટ્સ મોડી પડી હતી, પરિણામે કેટલાક પ્રવાસીઓ એમની ફ્લાઈટ્સ ચૂકી ગયા હતા. એને કારણે જ ટર્મિનલ-1ને વહેલું, 13 ઓક્ટોબરથી ખુલ્લું મૂકવાનું નક્કી કરવું પડ્યું છે. આ પહેલાં અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ લિમિટેડ કંપનીએ એવી જાહેરાત કરી હતી કે 20 ઓક્ટોબરથી ટર્મિનલ-1 પરથી વિમાન સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે. અદાણી ગ્રુપની આ કંપનીએ ગયા જુલાઈ મહિનાથી મુંબઈ એરપોર્ટનો વહીવટ પોતાને હસ્તક લીધો છે.