મુંબઈ – અહીં વિલે પારલે (વેસ્ટ)માં આવેલી મીઠીબાઈ કોલેજમાં આજે રાતે એક શો વખતે નાસભાગ મચી જતાં આઠ વિદ્યાર્થી ઘાયલ થયા હોવાનો અહેવાલ છે. એમને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. એમાંના ત્રણ જણને ગંભીર ઈજા થઈ છે અને એમને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમુક વિદ્યાર્થીઓને કૂપરમાંથી ડિસ્ચાર્જ કરીને ખાનગી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.
ઘાયલ થયેલા તમામ વિદ્યાર્થીઓ મીઠીબાઈ કોલેજના જ વિદ્યાર્થી છે.
કોલેજમાં એન્યૂઅલ ફંક્શન યોજવામાં આવ્યું હતું અને ડિવાઈન બેન્ડ પરફોર્મ કરી રહ્યું હતું.
જે હોલમાં શો યોજવામાં આવ્યો હતો ત્યાં અંદર જવાના અને બહાર નીકળવાના ગેટ બંધ હતા.
હોલમાં 3-4 હજાર જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા હતી, પણ 10 હજાર જેટલા પાસ ઈસ્યૂ કરવામાં આવ્યા હતા.
ભીડ વધી જવાથી અંદર ગૂંગળામણ થતાં અમુક જણ બેહોશ થઈ ગયા હતા અને એને પગલે અફડાતફડી મચી ગઈ અને નાસભાગ મચી ગઈ હતી.
ઘાયલ થયેલા વિદ્યાર્થીઓમાં બે છોકરી અને છ છોકરા છે, એવું કૂપર હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું હતું.
નાસભાગ થવાને કારણે તમામ વિદ્યાર્થીઓને છાતીમાં ગંભીર ઈજા થઈ હતી. એમાંના ત્રણ જણની હાલત ગંભીર છે અને એમને ઈન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવ્યાં છે.
નાસભાગ મચી જતાં શો અને ફંક્શન રદ કરી દેવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાને પગલે કોલેજ તથા પ્રશાસન વિશે ગંભીર સવાલ ઊભા થયા છે. કોલેજમાં આટલા મોટા પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું તો સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કેમ રાખવામાં આવ્યો નહોતો.
વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું છે કે જો કોલેજ દ્વારા કોઈ લાપરવાહી કરવામાં આવી હશે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.