મુંબઈઃ પાટનગર મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં ઈન્ફ્લૂએન્ઝા બીમારીના પેટાપ્રકાર H3N2 એ હાલ ત્રાસ ફેલાવ્યો છે. રાજ્યમાં ફ્લૂના જે કેસો છે એમાં 70 ટકા કેસ H3N2ના હોવાનું માલુમ પડ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગે પૂરી પાડેલી માહિતી અનુસાર ઓગસ્ટની 1-6 તારીખ દરમિયાન ઈન્ફ્લૂએન્ઝાના 291 કેસ નોંધાયા હતા, એમાં H3N2ના 195 કેસ હતા જ્યારે H1N1 ના 96 કેસ હતા.
ગઈ 31 જુલાઈ સુધી હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા દર્દીઓની સંખ્યા 76 હતી, જે ઓગસ્ટ 6 સુધીમાં વધીને 134 થઈ છે. આનો અર્થ આશરે 76 ટકાનો વધારો થયો છે. વધુમાં, હોસ્પિટલોના ઓપીડી વિભાગોમાં વાઈરલ તાવના દર્દીઓની સંખ્યા પણ ખૂબ વધી ગઈ છે. દરરોજ એવા 100 કેસ નોંધાય છે. H3N2 અને H1N1 બંને તકલીફ શ્વાસને લગતા વાઈરસ છે. H3N2 ઈન્ફ્લૂએન્ઝા A ટાઈપનો ગણાય છે જ્યારે H1N1 ઈન્ફ્લૂએન્ઝા B ટાઈપનો છે.