મુંબઈ – મહાનગર તથા આસપાસના વિસ્તારોમાં આ વખતે ચોમાસાના ભારે વરસાદને કારણે ટ્રેન સેવા અટકી ન પડે એની તકેદારી રાખવા માટે ચોમાસા-પૂર્વેનું કામકાજ રેલવે તંત્રે શરૂ કરી દીધું છે. પશ્ચિમ અને મધ્ય રેલવેના જનરલ મેનેજરો તેમજ મહાનગરપાલિકાના કમિશનરે સમીક્ષા બેઠક યોજી હતી.
ચોમાસા પૂર્વેના કામકાજોમાં, રેલવેના પાટા નીચેથી પસાર થતા નાળા અને ગટરોને સાફ કરી દેવામાં આવી રહ્યા છે, વૃક્ષોની નીચે ઉતરી આવેલી ડાળખીઓને કાપી નાખવામાં આવી રહી છે, પાટાની ઉપરના એવા ડુંગરાળ ભાગોની ચકાસણી કરવામાં આવી રહી છે જ્યાંથી ભેખડો ધસી પડવાનો ભય રહે છે.
મધ્ય રેલવેના વડા પ્રવક્તા સુનીલ ઉદ્દેશીનું કહેવું છે કે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કમિશનર અજોય મહેતાએ રેલવેને વચન આપ્યું છે કે ચોમાસામાં ભારે વરસાદ વખતે ટ્રેન સેવા ખોરવાય નહીં એ માટે મહાપાલિકા તરફથી તમામ મદદ મળશે. ચોમાસા પૂર્વેની સજ્જતા માટેનું કામકાજ ગયા ફેબ્રુઆરી-માર્ચથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 79 નાળાઓ સાફ કરી દેવામાં આવ્યા છે.
મુંબઈ મહાપાલિકાને અમે વિનંતી કરી છે કે કુર્લા અને સાયન ખાતેના નાળામાંથી વધુ પાણી ખેંચી શકે એવી ક્ષમતાવાળા વોટર-ડ્રેનિંગ પમ્પ્સ રેલવેને પૂરા પાડવામાં આવે. મહાપાલિકાએ તે આપવાનું વચન આપ્યું છે.