મુંબઈના કાંદિવલીમાં શિવસેના પાર્ટીના નેતાની હત્યા

મુંબઈ – શિવસેના પાર્ટીના 46 વર્ષીય નેતા સચીન સાવંતની રવિવારે રાતે કાંદિવલી (ઈસ્ટ) ઉપનગરમાં મોટરબાઈક પર સવાર થયેલા બે શખ્સે ગોળી મારીને હત્યા કરી હતી.

શિવસેના શાખા ઓફિસના ઉપશાખા પ્રમુખ સાવંત એમની શાખા ઓફિસમાંથી એમના ઘેર પાછા ફરતા હતા ત્યારે કાંદિવલી (ઈસ્ટ)ના આકુરલી રોડ પર ગોકુલ નગરમાં સાઈ મંદિરની સામે એમની પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ રાતે 8 અને 8.30 વાગ્યાની વચ્ચે થયો હતો.

શિવસેનાના સ્થાનિક નેતા વિષ્ણુ સાવંતે કહ્યું કે સચીન સાવંત વિસ્તારમાં ‘ભાઉ’ તરીકે જાણીતા હતા. એ તેમની રોયલ એન્ફિલ્ડ બાઈક પર સવાર થયા હતા. રસ્તામાં પાછળથી કોઈએ ભાઉ કહીને બોલાવતા એમણે પોતાનું બાઈક ઊભું રાખ્યું હતું. એવામાં બાઈક પર સવાર થયેલા બે યુવક કશુંક કહેવાના બહાને એમની નિકટ ગયા હતા અને એમની છાતીમાં ગોળી મારી દીધી હતી.

શિવસેનાની શાખા ઓફિસ અને સાવંતના ઘર વચ્ચે માંડ પાંચ મિનિટનું અંતર છે. સાવંતને તરત જ કાંદિવલી (વેસ્ટ)ની શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ડોક્ટરોએ એમને મૃત લાવેલા ઘોષિત કર્યા હતા.

મલાડ ઈસ્ટના કુરાડ વિલેજ પોલીસ સ્ટેશને આ બનાવમાં તપાસ શરૂ કરી દીધી છે.

કહેવાય છે કે 2009માં પણ સચીન સાવંતને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ વખતે પણ એમની પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, પણ ગોળી એમના હાથને લાગીને જતી રહી હતી.

સાવંત બે દાયકાથી શિવસેના પાર્ટી સાથે સંકળાયેલા હતા. એમને ટૂંક સમયમાં જ શાખા પ્રમુખ તરીકે બઢતી આપવામાં આવનાર હતી.