પોલીસતંત્રમાં મોટાપાયે બદલી; રશ્મી ઉદ્ધવ ઠાકરે કોરોનાગ્રસ્ત

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીમાં વચેટિયાઓની વગ હોવાનો આરોપ લગાવતો ગુપ્તચર વિભાગ તરફથી એક અહેવાલ મળ્યા બાદ રાજ્ય સરકારે મુંબઈ શહેરના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો કર્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં 65 અધિકારીઓ સહિત 86 પોલીસકર્મીઓની બદલી કરી નાખી છે. આ બધાયને શહેરમાં જુદા જુદા પદ પર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની નજીક વિસ્ફોટકો ભરેલી કાર મળી આવ્યા બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મુંબઈના પોલીસ અધિકારી સચીન વાઝેની ધરપકડ કરતાં જે વિવાદ ઊભો થયો છે તેની પાર્શ્વભૂમિમાં સરકારે બદલીઓનો નિર્ણય લીધો છે. બદલી કરાયેલા તમામ અધિકારીઓ વર્ષોથી ક્રાઈમ બ્રાન્ચમાં હતા. ક્રાઈમ બ્રાન્ચના ક્રિમિનલ ઈન્ટેલિજન્સ યૂનિટ (સીઆઈયૂ)ના 65 અધિકારીઓને ટ્રાન્સફર કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચમાં સીઆઈયૂની આગેવાની અગાઉ સચીન વાઝેના હાથમાં હતી.

CMના પત્નીને કોરોનાનો ચેપ લાગ્યો

દરમિયાન, મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ રોગચાળાનું બીજું મોજું વ્યાપક રીતે પ્રસર્યું છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પત્ની અને ‘સામના’ દૈનિકનાં તંત્રી રશ્મી ઠાકરે પણ કોરોનાવાઈરસનાં શિકાર બન્યાં છે. એમનાં મોટા પુત્ર અને રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને પણ કોરોના થયો છે અને એ હાલ હોમ ક્વોરન્ટીન છે. ઉદ્ધવ ઠાકરેએ ગઈ 11 માર્ચે સરકારસંચાલિત જે.જે. હોસ્પિટલમાં જઈને કોરોના-વિરોધી રસી લીધી હતી. રશ્મી ઠાકરેનો કોરોનાવાઈરસ ટેસ્ટ રિપોર્ટ ગઈકાલે રાતે પોઝિટીવ આવ્યો હતો. હવે તેઓ મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’માં હોમ ક્વોરન્ટીન થયાં છે. એમની તબિયત સ્થિર છે.