મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાનો ફેલાવો રોકવા માટે સમગ્ર ભારત દેશે કમર કસી લીધી છે. રાષ્ટ્રીય સ્તરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની મુદતને 3 મે સુધી લંબાવી દીધી છે.
મુંબઈમાં મહાનગરપાલિકા તંત્ર પણ પોતાની રીતે આ લડાઈ લડી રહ્યું છે.
દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે દર્દીઓ ધરાવતું શહેર હોય તો એ મુંબઈ છે.
હવે મહાપાલિકાએ શહેરનાં હાઈ-રિસ્ક વસ્તીના લોકોને હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ) ગોળીઓ આપવાનું નક્કી કર્યું હોવાનો અહેવાલ છે.
આ દવા આમ તો મેલેરિયાના રોગ વખતે દર્દીઓને આપવામાં આવે છે, પરંતુ તે કોરોના વાઈરસના વિષાણુઓને પણ કાબૂમાં રાખતી હોવાનું માલુમ પડ્યું છે.
શરૂઆતમાં, ધારાવી અને વરલી વિસ્તારોમાં 50 હજાર જેટલા નાગરિકોને આ ગોળી આપવામાં આવશે.
કન્ટેનમેન્ટ ઝોન પરિસરમાં રહેતા 18 વર્ષથી લઈને 55 વર્ષ સુધીના અને જેમને કોઈ મોટી બીમારી ન હોય એવા લોકોને 8 ગોળીઓનો ડોઝ આપવામાં આવશે.
આવનારા 2-3 દિવસોમાં જ મહાપાલિકા તરફથી કન્ટેનમેન્ટ ઝોનમાં નાગરિકોને આ ગોળીઓ આપવાનું શરૂ કરવામાં આવશે. પહેલા દિવસે બે ગોળી (800 મિલીગ્રામ) લીધા બાદ પ્રત્યેક અઠવાડિયે માત્ર એક જ વાર એક જ ગોળી (400 મિલીગ્રામ) એમ કુલ 6 ગોળી આપવામાં આવશે.
હાલ કોરોનાનાં દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્ટાફને આ ગોળી આપવામાં આવે છે.
HCQ ગોળીનો ડોઝ લીધા બાદ કોરોના વાઈરસ ઘણા પ્રમાણમાં કાબુમાં રહે છે. તેથી હવે આ વાઈરસના હોટસ્પોટ નક્કી કરાયેલા વરલી અને ધારાવી વિસ્તારોમાં તેનું વિતરણ કરવામાં આવશે.
વૃદ્ધ અને મોટી વયની વ્યક્તિઓને આ ગોળી આપવામાં નહીં આવે.
હાલ મુંબઈ મહાનગરપાલિકા પાસે આવી સાડા છ લાખ ગોળીઓનો સ્ટોક છે.