મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કેન્દ્ર સરકારને આજે વિનંતી કરી છે કે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લાગુ કરવામાં આવેલું દેશવ્યાપી લોકડાઉન હટાવી લેવાય તે પછી પરપ્રાંતીય મજૂરો માટે મુંબઈ, પુણેથી વિશેષ ટ્રેનો શરૂ કરજો જેથી તેઓ એમના વતન પાછા જઈ શકે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે લાગુ કરેલા દેશવ્યાપી લોકડાઉનની લંબાવેલી મુદત 3 મેએ પૂરી થાય છે.
3 મેએ લોકડાઉન સમાપ્ત થશે એ પછી જો લાંબા અંતરની ટ્રેનો શરૂ થશે તો મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં અટવાઈ ગયેલા પરપ્રાંતીય મજૂરો એમના વતન જવા માટે મોટી સંખ્યામાં બહાર પડશે, ધસારો કરશે અને રેલવે સ્ટેશનો પર, પરિસરમાં જબ્બર ગીરદી થવાની શક્યતા છે.
એને કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થવાનો સંભવ પણ રહેશે. એ માટે મુંબઈ અને પુણેમાંથી સ્પેશિયલ ટ્રેનો દોડાવવી જોઈએ જેથી સ્થળાંતરિત મજૂરો એમના વતન જઈ શકે. આ માગણી અજિત પવારે કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલને કરી છે.
આ પહેલાં, રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ આવી માગણી કરી હતી, પરંતુ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ એવી વિશેષ ટ્રેનો દોડાવવાનો ઈનકાર કરી દીધો હતો.
તેથી આજે નાયબ મુખ્ય પ્રધાન પવારે રેલવે પ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખીને વિનંતી કરી છે.
કેન્દ્ર સરકારે ગઈ 24 માર્ચથી દેશભરમાં તાળાબંધી જાહેર કરી છે અને એ જ દિવસથી ટ્રેનસેવા પણ બંધ કરી દીધી છે. એને કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં જુદા જુદા ભાગોમાં કમાવા માટે આવેલા મજૂરો, કામદારો અટવાઈ ગયા છે.
મહારાષ્ટ્ર સરકાર જોકે આ મજૂરો માટે ઠેરઠેર રાહત શિબિરો શરૂ કરીને એમને નિવાસ, ભોજન અને આરોગ્યની સુવિધા પૂરી પાડી રહી છે.
મહારાષ્ટ્ર સરકાર સંચાલિત આવી શિબિરોમાં આશરે સાડા છ લાખ જેટલા મજૂરો રહે છે.
કેટલીક સ્વયંસેવી સંસ્થાઓએ પણ ઘણા મજૂરોને સંભાળવા માટે પોતાની રીતે વ્યવસ્થા કરી છે.