મુંબઈ – મુંબઈ મહાનગરપાલિકામાં કોંગ્રેસના ભૂતપૂર્વ વિપક્ષી નેતા રહી ચૂકેલા ઘાટકોપરનિવાસી ગુજરાતી નેતા પ્રવીણ વેલજી છેડા આજે અહીં ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. એમણે આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં પુનઃ પ્રવેશ કર્યો હતો.
પ્રવીણ છેડાને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મળવાની ધારણા છે.
દક્ષિણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ક્રિકેટ એસોસિએશન લોન ખાતે આયોજિત ખાસ સ્વાગત કાર્યક્રમમાં આજે પ્રવીણ છેડાની સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં મહિલા નેતા ડો. ભારતી પવાર પણ ભાજપમાં જોડાઈ ગયાં હતાં.
ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાનાં 184 ઉમેદવારોની પહેલી યાદી ગઈ કાલે જાહેર કરી હતી. એમાં ઈશાન મુંબઈ બેઠકના ઉમેદવારનું નામ નહોતું. આ બેઠક પર હાલ ભાજપના કિરીટ સોમૈયા સંસદસભ્ય છે, પણ એમને આ વખતે ટિકિટ ન આપવાની ભાગીદાર શિવસેના પાર્ટીએ શરત રાખી છે. તેથી ભાજપે હજી ઈશાન મુંબઈ બેઠક માટે પોતાના ઉમેદવારની ઘોષણા હજી કરી નથી. હવે સોમૈયાની જગ્યાએ છેડાને ઉમેદવાર બનાવવામાં આવશે એવી ચર્ચા છે.
છેડા ભૂતકાળમાં ભાજપમાં જ હતા, પણ એમને પ્રકાશ મહેતા સાથે મતભેદો ઊભા થતાં એ કોંગ્રેસમાં જતા રહ્યા હતા. જોકે આજે છેડાની ઘરવાપસીના કાર્યક્રમમાં પ્રકાશ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે છેડાને અભિનંદન આપ્યા હતા.
પ્રવીણ છેડાને કોંગ્રેસે લોકસભા ચૂંટણીની ટિકિટની ઓફર કરી હતી. છેડાએ એ અહેવાલને સમર્થન પણ આપ્યું હતું, પણ એમણે કોઈ નિર્ણય લીધો નહોતો. એમને ભાજપમાં જતા રોકવા માટે કદાચ કોંગ્રેસે એમને ઓફર કરી હશે.
પ્રવીણ છેડા ભૂતપૂર્વ નગરસેવક છે. એ મુંબઈ કોંગ્રેસમાં સચિવપદે હતા. પહેલા એ ભાજપમાં હતાં, પણ 2012માં એ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. બાદમાં, મુંબઈ મહાનગરપાલિકામાં વિપક્ષી નેતા બન્યા હતા. ગુજરાતી સમાજના આક્રમક ચહેરા તરીકે તેમજ મહાપાલિકામાં અનેક કૌભાંડોનો પર્દાફાશ કરવા માટે છેડા જાણીતા છે. એ શિવસેના-ભાજપના આકરા ટીકાકાર છે.
2017ની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં છેડાનો ભાજપના પરાગ શાહ સામે પરાજય થયો હતો.
છેડા અને ભારતી પવારે દેવેન્દ્ર ફડણવીસ, એમના સાથી પ્રધાનો – વિનોદ તાવડે, પ્રકાશ મહેતા, ગિરીશ મહાજન, સુભાષ દેશમુખ તથા મુંબઈ ભાજપપ્રમુખ આશિષ શેલાર તથા અન્ય નેતાઓની હાજરીમાં ભાજપમાં પુનઃ પ્રવેશ કર્યો હતો. બંને નેતાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બંને નેતાએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ પર વિશ્વાસ હોઈ એમણે ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે અને તેનો એમને બહુ આનંદ છે.
છેડાએ વધુમાં કહ્યું કે, મને ઉત્તર મુંબઈની બેઠક પરથી ચૂંટણી લડવાની કોંગ્રેસ પાર્ટીએ ઓફર કરી હતી, પણ મેં એ સ્વીકારી નહોતી. ભાજપ તરફથી મને કોઈ પણ પ્રકારનું વચન આપવામાં આવ્યું નથી, પણ મને પાર્ટી તરફથી જેમ કહેવામાં આવશે તેમ હું કરીશ.
છેડાએ એમ પણ કહ્યું કે, મેં ભૂતકાળમાં અમુક કારણોસર ભાજપ પાર્ટીને છોડી દીધી હતી, પણ હવે હું વડા પ્રધાન મોદીની કામગીરીથી પ્રેરિત થયો છું, તેથી આ મારા માટે ઘરવાપસી છે. સામાન્ય રીતે વનવાસ 14 વર્ષનો હોય છે, પણ મને મુખ્યપ્રધાન સાહેબે માત્ર 7 વર્ષમાં જ મને પાર્ટીમાં ફરી સામેલ કરી દીધો છે.
શિવસેનાએ 21 ઉમેદવારો ઘોષિત કર્યા
મહારાષ્ટ્રમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી સાથે ભાગીદારીમાં રહેતા શિવસેના પક્ષે લોકસભા ચૂંટણી માટે પોતાના 21 ઉમેદવારોની પહેલી યાદી ઘોષિત કરી છે. આ ઉમેદવારો મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ચૂંટણી લડશે.
ભાજપ સાથે થયેલી સમજૂતી અનુસાર મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકોમાંથી શિવસેના 23 બેઠકો પર અને ભાજપ 25 બેઠકો પર ચૂંટણી લડશે. શિવસેનાએ હજી બે બેઠક માટે પોતાના ઉમેદવારના નામ ઘોષિત કરવાના બાકી છે. આ બે બેઠક છે – પાલઘર અને સાતારા.
શિવસેનાએ 17 વર્તમાન સંસદસભ્યોને ફરી ટિકિટ આપી છે.
મહારાષ્ટ્રમાં ચાર તબક્કામાં વોટિંગ થવાનું છે. આ તારીખો છે – એપ્રિલ 11, 18, 23 અને 29.
મુંબઈમાં શિવસેનાએ 3 બેઠક માટે પોતાના ઉમેદવાર પસંદ કર્યા છે. દક્ષિણ મુંબઈમાં અરવિંદ સાવંત, દક્ષિણ-મધ્ય બેઠક પર રાહુલ શેવાળે અને ઉત્તર-પશ્ચિમ બેઠક માટે ગજાનન કીર્તિકર છે. થાણેમાંથી રાજન વિચારે, કલ્યાણમાંથી શ્રીકાંત શિંદે અને કેન્દ્રીય પ્રધાન અનંત ગીતે રાયગડમાંથી ચૂંટણી લડશે.