ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર 27 માર્ચે ઉજવશે ‘વિશ્વ રંગભૂમિ દિવસ’

મુંબઈ – સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની યુનેસ્કો સંસ્થાએ દર વર્ષની 27 માર્ચને ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ (World Theatre Day) તરીકે પસંદ કર્યો છે. આ નિર્ણય 1960માં લેવામાં આવ્યો હતો. આમ, દર વર્ષની 27 માર્ચે રંગમંચ અને તેના યોગદાનને બિરદાવવા ‘વર્લ્ડ થિયેટર ડે’ ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં રંગકર્મીઓ આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.

ભારતીય સંસ્કૃતિ અને કલાના વારસાને જાળવી રાખવા માટે કાર્યશીલ અંધેરી-મુંબઈની પ્રતિષ્ઠિત સંસ્થા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રએ પણ આવતી 27 માર્ચે ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ ઉજવવાનું નક્કી કર્યું છે.

દિન્યાર કોન્ટ્રાક્ટર

દક્ષિણ મુંબઈના ચોપાટી વિસ્તારસ્થિત ભવન ખાતે સાંજે 6 વાગ્યે નિર્ધારિત કાર્યક્રમમાં જાણીતા રંગભૂમિ અભિનેતા ‘પદ્મશ્રી’ દિન્યાર કોન્ટ્રાક્ટરનું સમ્માન કરવામાં આવશે. આ પ્રસંગે વરિષ્ઠ અભિનેત્રીઓ – તરલા જોશી, મહેશ્વરી, ઝંખના દેસાઈ, દેવયાની ઠક્કર, મેઘના રોય અને ઈન્દિરા મહેતા પણ ઉપસ્થિત રહેશે. વિશેષ અતિથિ તરીકે અરવિંદ ત્રિવેદી (લંકેશ) ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે નાટ્ય/એકોક્તિ પ્રસ્તુત કરવામાં આવશે – ‘હો હોલિકા’, ‘મારા અસત્યના પ્રયોગો’, ‘ભૂંસાતા પગરવ’ અને ‘ત… પાન’.