મુંબઈ – ભારતીય રેલવેએ બીજી તેજસ એક્સપ્રેસ ટ્રેનને મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડાવવાનું નક્કી કર્યું છે. આ ટ્રેન આવતી 17 જાન્યુઆરીથી વ્યાપારી ધોરણે સફર શરૂ કરશે.
આ ટ્રેનસેવાનું સંચાલન ભારતીય રેલવેની પેટાકંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કરવામાં આવે છે.
તેજસ શ્રેણીમાં મુંબઈ-અમદાવાદ તેજસ ટ્રેન બીજી છે, જે સપ્તાહમાં 6 દિવસ દોડશે.
પહેલી તેજસ એક્સપ્રેસ લખનઉ અને નવી દિલ્હી વચ્ચે શરૂ કરવામાં આવી છે.
IRCTCએ આ ટ્રેન માટે ‘ડાયનેમિક ભાડા’ યોજના ઘડી કાઢી છે. મતલબ કે ખાલી સમયગાળા, ધસારાના સમયગાળા અને તહેવારોની મોસમ માટે જુદા જુદા ભાડા રાખવામાં આવશે.
IRCTC એ એ પણ નક્કી કર્યું છે કે આ ટ્રેન જો મોડી પડશે તો એ પ્રવાસીઓને પૈસા ચૂકવશે. મતલબ કે જો ટ્રેન એક કલાક મોડી પડશે તો પ્રવાસીઓને રૂ. 100નું વળતર આપવામાં આવશે. બે કલાક મોડી પડશે તો રૂ. 250ની રકમની ચૂકવણી કરવામાં આવશે.
તેજસ એક્સપ્રેસ માટે તત્કાલ ટિકિટની સુવિધા નહીં હોય.
ટ્રેન મોડી પડે તો પૈસાનું રીફંડ લેવા માટે પ્રવાસીઓએ ઓનલાઈન પરની લિન્કમાં વીમા કંપની સાથેનું એક ક્લેમ ફોર્મ ભરવાનું રહેશે. પ્રવાસીઓ એ ઉપરાંત ટોલ ફ્રી નંબર ઉપર પણ ક્લેમ નોંધાવી શકશે. એ માટે પ્રવાસીએ તેની સફરની વિગતો, પીએનઆર નંબર, બેન્ક એકાઉન્ટ વિગતો તથા ટ્રેન કેટલા કલાક મોડી પડી એ વિગત આપવાની રહેશે. વીમા કંપની વળતરની રકમ સીધા પ્રવાસીના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે.
મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે.
82902 નંબરની આ ટ્રેન સવારે 6.40 વાગ્યે અમદાવાદથી ઉપડી બપોરે 1.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. વળતી સફરમાં, 82901 નંબરની ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.40 વાગ્યે ઉપડી રાતે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે.
રસ્તામાં આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, બોરીવલી સ્ટેશનોએ ઊભી રહેશે.
ટ્રેન ગુરુવાર સિવાય સપ્તાહના બાકીના બધા દિવસોએ દોડાવવામાં આવશે.
અમદાવાદથી મુંબઈ આવનારી ટ્રેનમાં એક્ઝિક્યૂટિવ ચેર કારનું ભાડું રૂ. 2,384 છે. એનું બેઝ ફેર છે રૂ. 1,875, જ્યારે જીએસટી 94 રૂપિયા, કેટરિંગ ચાર્જ 415 રૂપિયા સામેલ છે. એસી ચેર કારનું ભાડું રૂ. 1,289 હશે, જેમાં બેઝ ફેર 870 છે જ્યારે જીએસટી 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા છે.
મુંબઈથી અમદાવાદ જનારી ટ્રેનમાં એક્ઝિક્યૂટિવ ભાડું રૂ. 2,374 છે, જેમાં બેઝ ફેર રૂ. 1,875 છે જ્યારે જીએસટીના 94 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 405 રૂપિયા સામેલ છે. એસી ચેર કારનું ભાડું રૂ. 1,289 છે જેમાં બેઝ ફેર રૂ. 870 છે જ્યારે જીએસટી 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા છે.
આ ટ્રેનનું બેઝ ફેર શતાબ્દી એક્સપ્રેસ જેટલું જ હશે, પરંતુ તેજસનું ભાડું વધારવાનો અધિકાર IRCTCને રહેશે, કારણ કે આ રેલવેની ખાનગી ટ્રેન છે.
તેજસ એક્સપ્રેસ પ્રતિ કલાક 160 કિલોમીટરની ઝડપે દોડશે.
આ ટ્રેનમાં દરેક સીટના પાછળના ભાગમાં એક એલસીડી લગાડવામાં આવ્યું છે.
ટ્રેનમાં વાઈ-ફાઈ સુવિધા મળશે તેમજ કેટરિંગનું મેનૂ નામાંકિત શેફ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હશે.
પ્રવાસીઓને મફતમાં રૂ. 25 લાખના રેલ યાત્રા વીમાનું કવચ મળશે.
દરેક ડબ્બામાં બ્રેલ ડિસ્પ્લે, ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડ અને ઈલેક્ટ્રોનિક રિઝર્વેશન ચાર્ટ પણ હશે.