મુંબઈઃ અત્રે નેવલ ડોક્યાર્ડ ખાતે ભારતીય નૌકાદળના જહાજ ‘INS રણવીર’ પર ગઈ કાલે થયેલા એક ભીષણ વિસ્ફોટ અને એમાં ત્રણ નૌસૈનિકોના નિપજેલા મૃત્યુ અંગે મુંબઈ પોલીસે આકસ્મિક મૃત્યુ અહેવાલ (ADR) નોંધ્યો છે. જહાજ પરના એક આંતરિક વિભાગમાં થયેલા વિસ્ફોટમાં માસ્ટર ચીફ પેટી ઓફિસર અરવિંદ કુમાર મહાતમ સિંહ (38), સ્પોર્ટ્સ પી.ટી. માસ્ટર સુરિન્દર કુમાર વાલિયા (47) અને એન્ટીસબમરીન ઈન્સ્ટ્રક્ટર ક્રિશન કુમાર ગોપીરાવ (46)નું નિધન થયું હતું અને બીજા 11 જણને ઈજા થઈ હતી. આ દુર્ઘટનામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ત્રણેય નૌસૈનિકોના મૃતદેહ મુંબઈની સરકાર સંચાલિત જે.જે. હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. ભારતીય નૌકાદળે એક નિવેદન દ્વારા મૃતક જવાનોના પરિવારજનો પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કરી છે.