મુંબઈઃ ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે ઝોને મુંબઈ સેન્ટ્રલ અને ગુજરાતના પાટનગર ગાંધીનગર વચ્ચે દોડાવાતી 12009/10 શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ જોડવાનો નિર્ણય લીધો છે. આ કોચ 11 એપ્રિલથી પ્રાયોગિક ધોરણે જોડવામાં આવશે. પ્રવાસીઓને સફરનો વધારે આહલાદક અનુભવ કરાવવા માટે એમને આ સુવિધા પૂરી પાડવામાં આવનાર છે. ટ્રાયલ ધોરણે આ કોચ 11 એપ્રિલથી 10 મે સુધી જોડવામાં આવશે. વિસ્ટાડોમ કોચમાં કાચની મોટી બારીઓ હોય છે, આરપાર જોઈ શકાય એવી કાચની છત હોય છે, ચારેબાજુ ઘૂમી શકે એવી સીટ (180 ડિગ્રી રોટેશન) હોય છે અને એક ઓબ્ઝર્વેશન લાઉન્જ પણ હોય છે જેથી પ્રવાસીઓ એમની સીટ પર બેસીને જ બહારના મનમોહક દ્રશ્યો સંપૂર્ણપણે નિહાળી શકે. કોચમાં વાઈ-ફાઈ આધારિત પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ પણ બેસાડેલી છે.
શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચમાં રિઝર્વેશન કરાવી શકાય એ માટે નવી ટ્રેન નંબર 02009/02010 લાગુ થશે. મતલબ કે ટ્રેન નંબર 02009 /02010ના વિસ્ટાડોમ કોચમાં સીટનું બુકિંગ 9 એપ્રિલ, 2022થી શરૂ કરાશે. આ બુકિંગ PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઈટ પરથી કરી શકાશે. વિસ્ટાડોમ કોચમાં 44 પ્રવાસીઓના બેસવાની ક્ષમતા છે.