મુંબઈઃ દેશના આ આર્થિક પાટનગરમાં કોરોના વાઈરસના કેસ ઓચિંતા વધી જતાં મહાનગરપાલિકા તંત્ર અને મહારાષ્ટ્ર સરકાર સતર્ક બની ગઈ છે. ચેપી રોગચાળા કોરોનાના કેસ છેલ્લા ત્રણ અઠવાડિયામાં સૌથી ઊંચે જતાં મહાનગરપાલિકાએ એની ગંભીર નોંધ લીધી છે, પરંતુ શહેરમાં ઘણા લોકો મહાબીમારીને ગંભીરતાથી લેતા નથી અને માસ્ક પહેર્યા વગર ફરતા જોવા મળતા હોય છે. એવા લોકોને માસ્ક પહેરવાની ફરજ પાડવા માટે 5,000 જેટલા માર્શલ્સને રોકવામાં આવ્યા છે. આમાંના 300 જેટલા માર્શલ્સને રેલવે નેટવર્ક પર તૈનાત કરવામાં આવ્યા છે.
મુંબઈમાં 11 મહિના બાદ, ગઈ 1-ફેબ્રુઆરીથી લોકલ ટ્રેન સેવા સંપૂર્ણસ્તરે ફરી શરૂ કરવામાં આવી છે. દરરોજ સરેરાશ 80 લાખ લોકો લોકલ ટ્રેનોમાં સફર કરતા થયા છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે લોકલ ટ્રેન સેવા ફરી શરૂ કરાતા મુંબઈમાં કોરોનાના કેસ ફરી વધ્યાં છે.
