ઉદ્ધવ ઠાકરેની સરકાર આવતીકાલે બપોરે વિશ્વાસનો મત લેશે

મુંબઈ – મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ ત્રણ પક્ષના બનેલા ‘મહાવિકાસ આઘાડી’ ગઠબંધનની સરકાર આવતીકાલે બપોરે 2 વાગ્યે વિધાનસભામાં વિશ્વાસનો મત લેશે. ‘મહાવિકાસ આઘાડી’ સરકાર શિવસેના ઉપરાંત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસની બનેલી છે.

રાજ્યના ગવર્નર ભગતસિંગ કોશિયારીએ ઉદ્ધવને મહાવિકાસ આઘાડીની સરકાર રચવાનું આમંત્રણ આપતી વખતે કહ્યું હતું કે એમણે 3 ડિસેંબર સુધીમાં એમની સરકારની બહુમતી પુરવાર કરવાની રહેશે. પોતાને 162 વિધાનસભ્યોનો ટેકો હોવાનો ઉદ્ધવે દાવો કર્યો છે.

ત્રણેય શાસક પક્ષના ગઠબંધન સરકારે કરેલી અપીલને પગલે રાજ્યપાલ કોશિયારીએ પ્રો-ટેમ (હંગામી) સ્પીકરની બદલી કરી દીધી છે. પ્રો-ટેમ સ્પીકર કોળંબકર હતા અને હવે એમની જગ્યાએ દિલીપ વળસે-પાટીલને નિયુક્ત કરવામાં આવ્યા છે. એમણે 30 નવેંબરના શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે.

દિલીપ વળસે-પાટીલ એનસીપીના નેતા છે અને એમને પ્રો-ટેમ સ્પીકર બનાવવાની ભલામણ ઉદ્ધવ ઠાકરેએ જ ગવર્નરને કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન તરીકે ગઈ કાલે સાંજે શપથ ગ્રહણ કર્યા હતા અને પોતાની સરકારની પહેલી કેબિનેટ બેઠક પણ યોજી હતી.

ઠાકરે ઉપરાંત ત્રણેય પાર્ટીના બબ્બે વિધાનસભ્યોએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા.