3 જૂને મુંબઈ પર ત્રાટકવા નજીક સરકી રહ્યું છે વાવાઝોડું ‘નિસર્ગ’

મુંબઈઃ અરબી સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ ખૂણે આકાર લઈ રહેલું વિનાશકારી ચક્રવાતી વાવાઝોડું ‘નિસર્ગ’ 3 જૂને મહારાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકે એવી સંભાવના ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વાવાઝોડું મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના હરિહરેશ્વર અને દમણ વચ્ચેથી પસાર થશે. એ વખતે પવન કલાકના 100થી 120 કિ.મી.ની ઝડપે ફૂંકાશે.

દરમિયાન, ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે નિસર્ગ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. માત્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.

મુંબઈ શહેર ઉપરાંત પડોશના થાણે, પાલઘર, રાયગડ જિલ્લાઓમાં મુસળધાર વરસાદ પડી શકે છે.

આને કારણે મુંબઈ શહેર, નવી મુંબઈ, થાણે, પનવેલ, કલ્યાણ, ડોંબિવલી, મીરા-ભાયંદર, વસઈ-વિરાર, ઉલ્હાસનગર, બદલાપૂર, અંબરનાથ જેવા વિસ્તારોમાં વાવાઝોડું તેની અસર છોડી જાય એવી સંભાવના હોવાથી વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. લોકોને સાબદાં કરી દેવામાં આવ્યા છે.

આ વાવાઝોડું 2 જૂનના મંગળવારથી સક્રિય થશે અને તેને કારણે પવનની ગતિ 3 જૂન, બુધવારે સાંજે પ્રતિ કલાક 110 કિ.મી. જેટલી થઈ જવાની સંભાવના છે.

વહીવટીતંત્રોએ નાગરિકોને તમામ આવશ્યક કાળજી લેવાની સૂચના અને સલાહ આપી દીધી છે.

મહારાષ્ટ્રમાં NDRF

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની બેઠક યોજી હતી અને ઉપાય યોજના ઘડી હતી. તે અંતર્ગત મહારાષ્ટ્રમાં નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF)ની 9 ટૂકડીઓને મહારાષ્ટ્રમાં મોકલવામાં આવી છે. એમાંથી મુંબઈમાં 3, પાલઘરમાં 2, થાણે, રાયગડ, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં 1-1 ટૂકડીને તૈનાત કરવામાં આવી છે.

ચોપાટીઓ ખાતે કડક સુરક્ષા બંદોબસ્ત

નિસર્ગ વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને ધ્યાનમાં લઈને ઘોષિત કરાયેલા એલર્ટને પગલે મુંબઈમાં તમામ ચોપાટીઓ ખાતે લોકોને પ્રવેશવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ગિરગાંવ, દાદર, જુહૂ, મલાડ, આક્સા, ગોરાઈ તથા અન્ય ચોપાટીઓ ખાતે લાઈપ ગાર્ડ બોટ તથા અન્ય સુરક્ષા સાધનો સાથે જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

તે ઉપરાંત નરીમાન પોઈન્ટ, બાન્દ્રા, અંધેરી, મલાડ, બોરીવલી એમ તમામ સ્થળે અગ્નિશામક દળને પણ સતર્ક રહેવા જણાવી દેવામાં આવ્યું છે. જવાનોને આવશ્યક સાધનસામગ્રી સાથે સજ્જ રહેવાનું કહેવામાં આવ્યું છે.

નાગરિકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે કે વાવાઝોડું ત્રાટકે એવા સંજોગોમાં વીજળી પૂરવઠો ખોરવાઈ જવાની શક્યતા રહેશે. તેથી લોકોએ એમના લેપટોપ, મોબાઈલ ફોન, પાવરબેન્ક્સને ચાર્જ કરી રાખવી. તે ઉપરાંત મીણબત્તીઓ અને ટોર્ચને પણ હાથવગી રાખવી.

મુંબઈમાં આ પ્રકારનું મોટું વાવાઝોડું છેક 1882માં ત્રાટક્યું હતું.