મુંબઈઃ ભારતમાં જલદી જ હાઈપરલૂપ ટ્રેન દોડતી નજર આવી શકે છે.ભારતમાં બે રાજ્યો મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ટ્રેનની ખાસિયત એ હશે કે આ ટ્રેન ફ્લાઈટ કરતા પણ ફાસ્ટ હશે. પૂણેથી મુંબઈ જતાં અત્યારે 3 થી 4 કલાકનો સમય લાગે છે તો આ ટ્રેન આવ્યા બાદ આ મુસાફરી માત્ર 25 મિનીટમાં પૂર્ણ થશે.
સરકાર આનું આ વર્ષે જ ટેસ્ટિંગ કરવાની તૈયારીમાં છે. ત્યારે આવો જાણીએ હાઈપર લૂપ ટ્રેન શું છે?
હાઈપરલુપ ટ્રેન એક ચુંબકીય ટેક્નિકથી લેસ એક પોડ પર ચાલશે. હાઈપરલૂપ ટેક્નિકમાં થાંભલાઓ પર એક પારદર્શક ટ્યૂબ મૂકવામાં આવે છે. જેની અંદર લાંબી સિંગલ બોગી હવામાં તરતા ચાલે છે.
આમાં ઘર્ષણ સહેજ પણ થતું નથી. આને લઈને આની સ્પીડ 1100 થી 1200 કિમી પ્રતિ કલાકની હોય છે. આમાં વીજળીનો ખર્ચ પણ ખૂબ ઓછો થાય છે. આમાં પોલ્યુશન પણ નથી થતું.
આ ટ્રેનની સ્પિડ પ્લેન કરતા પણ વધારે જણાવવામાં આવી રહી છે. જોકે આ ટ્રેનનું ભાડું સામાન્ય ટ્રેનો કરતાં વધારે હશે. આનું ભાડું પ્લેનના ભાડાં બરાબર હોઈ શકે છે. આ ટ્રેન જાપાનમાં ચાલતી બુલેટ ટ્રેનથી પણ વધારે તેજ હશે.
મહારાષ્ટ્ર સરકારે આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે અમેરિકાના વર્જિન ગ્રુપ સાથે કરાર કર્યા છે. મહારાષ્ટ્રમાં આના માટે ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. આ વર્ષે જ આનું ટેસ્ટિંગ થશે. હાઈપરલૂપ ટ્રાંસપોર્ટેશન ટેક્નોલોજી અને વર્જિન હાઈપરલૂપ આ પ્રોજેક્ટ પર આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કામ કરે છે. આંધ્રપ્રદેશમાં અનંતપુરા-અમરાવતી અને વિજયવાડા અને વિશાખાપટ્ટનમ આની સાથે જોડાશે. તો મહારાષ્ટ્રમાં મુંબઈ-પૂણે આની સાથે જોડાશે.
હાઈપરલૂપ ટ્રાંસપોર્ટને ગતિ આપનારો એક એવો પ્રોજેક્ટ છે જેના પર ઘણી કંપનીઓ રીસર્ચ કરી રહી છે. આવી ટ્રેનના દ્વારા એક કલાકમાં 1126.4 કિલોમીટરનો પ્રવાસ કરી શકાય છે.