મુંબઈમાં આમ આદમી પાર્ટીનાં નેતા, ભૂતપૂર્વ બેન્ક ઓફિસર મીરા સાન્યાલનું નિધન

મુંબઈ – આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય કારોબારી સમિતિનાં મુંબઈનિવાસી નેતા મીરા સાન્યાલનું ગઈ કાલે રાતે અહીં અવસાન થયું છે. એ 57 વર્ષનાં હતાં. એમને છેલ્લા બે વર્ષથી કેન્સર હતું.

કારોબારી સમિતિનાં અન્ય સભ્ય પ્રીતિ શર્મા-મેનને એક નિવેદનમાં મીરા સાન્યાલનાં નિધનનાં સમાચાર આપ્યાં હતાં.

સાન્યાલનું શુક્રવારે રાતે લગભગ 8 વાગ્યે દક્ષિણ મુંબઈ સ્થિત એમનાં નિવાસસ્થાને નિધન થયું હતું.

આમ આદમી પાર્ટીના વડા તથા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા સહિત અનેક નેતાઓએ ટ્વીટ દ્વારા સાન્યાલનાં નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

સાન્યાલ રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડનાં ભારતમાંનાં ચેરપર્સન અને ભૂતપૂર્વ સીઈઓ પણ હતાં.

સાન્યાલે 2014માં દક્ષિણ મુંબઈમાંથી AAPની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી, પણ કોંગ્રેસનાં મિલિંદ દેવરા સામે હારી ગયાં હતાં.

સાન્યાલ જાણીતાં સામાજિક કાર્યકર્તા પણ હતાં. એમણે નોટબંધીની ટીકા કરતું અંગ્રેજીમાં એક પુસ્તક પણ લખ્યું હતું.

મીરા સાન્યાલનાં નિધનથી કોર્પોરેટ ક્ષેત્રમાં આઘાતની લાગણી ફરી વળી છે. સાન્યાલ RBSમાં જોડાયાં એ પહેલાં લેઝાર્ડ્સ અને ગ્રીન્ડલેઝ બેન્ક સાથે પણ સંકળાયેલાં હતાં. સાન્યાલનો જન્મ કોચીમાં થયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]