મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે 3-4-5 ઓગસ્ટે મુંબઈ, પડોશના થાણે, નવી મુંબઈ, પાલઘર, રાયગડ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની કરેલી આગાહી અનુસાર, ગઈકાલે રાતથી મુંબઈમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. આખી રાત દે માર વરસાદ પડ્યો હતો અને તેને કારણે મુંબઈમાં અનેક ઉપનગરોમાં નિચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. આજે સવારે 8 વાગ્યા પછી વરસાદનું જોર નરમ પડ્યું હતું, પરંતુ હવામાન વિભાગે મુંબઈ, ઉપનગરો, પડોશના વિસ્તારો માટે હજી બે દિવસ માટે ભારે વરસાદ વિશે રેડ એલર્ટ ઘોષિત કર્યું છે.
મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. ‘બેસ્ટ’ વહીવટીતંત્રએ શહેરમાં જળબંબાકાર વિસ્તારોમાં બસસેવા સ્થગિત કરી દીધી છે.
કિંગ સર્કલ, હિંદમાતા, દાદર, શિવાજી ચોક, કુર્લા એસ.ટી. બસ ડેપો, બાન્દ્રા ટોકિઝ, સાયન રોડ, કાંદિવલી, ગોરેગાંવ જેવા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
મુંબઈ મહાનગરપાલિકાએ અપીલ કરી છે કે 4-5 ઓગસ્ટે અતિવૃષ્ટિની સંભાવના હોવાને કારણે લોકો અત્યંત સતર્ક રહે, સાવચેતીના દ્રષ્ટિકોણથી ઘરમાં જ રહે, પોતાની ઓફિસ બંધ રાખે. ખાસ કામ હોય તો જ ઘરની બહાર જવાનું રાખે.
મહાપાલિકાએ માત્ર અત્યાવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ સરકારી તેમજ ખાનગી ઓફિસોને આજે બંધ રાખવાની સૂચના જારી કરી છે.
મુંબઈ શહેરમાં સોમવારે સવારે 8 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 230.06 મિમિ વરસાદ પડ્યો હતો. જ્યારે પૂર્વ અને પશ્ચિમના ઉપનગરોમાં અનુક્રમે 162.83 મિમી અને 162.28 મિમી વરસાદ પડ્યાનું હવામાન વિભાગે નોંધ્યું હતું.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભેખડ ધસી પડીવેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કાંદિવલી-મલાડ (ઈસ્ટ) વચ્ચે ભારે વરસાદને કારણે વહેલી સવારે ભેખડ ધસી પડવાની ઘટના બની હતી. એને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસોએ એક સાઈડ પર ટ્રાફિક બંધ કરાવ્યો હતો. ભેખડ ધસી પડવાની આ ઘટના ગ્રોવેલ્સ મોલની સામે અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પ્રેસ-ઓફિસની નીચે બની હતી.