મુંબઈ – અત્રેના મુલુંડ ઉપનગરસ્થિત ફોર્ટિસ હોસ્પિટલે આપેલી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના જાલનાની રહેવાસી ચાર વર્ષની એક છોકરીના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ઔરંગાબાદમાંથી એક બ્રેન ડેડ છોકરાનું હૃદય માત્ર દોઢ કલાકમાં જ ઔરંગાબાદથી મુંબઈ લાવવામાં આવ્યું હતું.
આ હૃદયે 323.5 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો, માત્ર 94 મિનિટમાં. આ ઘટના ગયા શુક્રવાર 22 જૂનની છે.
હૃદય ઔરંગાબાદના 13 વર્ષીય બ્રેન ડેડ છોકરાનું છે. એને ગ્રીન કોરિડોર વ્યવસ્થા હેઠળ મુંબઈ લવાયા બાદ તત્કાળ એનું છોકરીમાં શસ્ત્રક્રિયા દ્વારા હૃદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.
સર્જરી સફળ રહી છે અને છોકરીનું શરીર સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યું છે. શસ્ત્રક્રિયા બાદ છોકરી સતત નિષ્ણાત ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે.
હૃદયને સમયસર ઔરંગાબાદથી મુંબઈ લાવી શકાયું તેથી છોકરી પર સમયસર શસ્ત્રક્રિયા કરી શકાઈ અને છોકરીનો જીવ બચાવી શકાયો છે.
ફોર્ટિસ તરફથી અપાયેલી માહિતી અનુસાર, એક રોડ અકસ્માતમાં 13 વર્ષના છોકરાએ જીવ ગુમાવ્યો હતો, પરંતુ એનું હૃદય જીવંત હતું. એ હૃદયને ઔરંગાબાદની મહાત્મા ગાંધી મેડિકલ હોસ્પિટલમાં સુરક્ષિત રાખવામાં આવ્યું હતું. હૃદયને ગયા શુક્રવારે એ હોસ્પિટલમાંથી બપોરે 1.50 વાગ્યે ઔરંગાબાદ એરપોર્ટ તરફ રવાના કરવામાં આવ્યું હતું. હૃદય ચાર મિનિટમાં, 1.54 વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યું હતું. એ ચાર મિનિટમાં હૃદયે 4.8 કિ.મી.નો પ્રવાસ કર્યો હતો. એ માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યું હતું.
ઔરંગાબાદ એરપોર્ટથી ચાર્ટર્ડ વિમાન દ્વારા એને મુંબઈ એરપોર્ટ લાવવામાં આવ્યું હતું. બપોરે 3.05 વાગ્યે હૃદય મુંબઈ એરપોર્ટ પહોંચ્યું હતું. ત્યાંથી 18 કિ.મી. દૂર આવેલી ફોર્ટિસ હોસ્પિટલ ખાતે હૃદયને માત્ર 19 મિનિટમાં પહોંચાડવામાં આવ્યું હતું. એ માટે ગ્રીન કોરિડોર વ્યવસ્થા કરવામાં આવી હતી. હૃદય ઔરંગાબાદની હોસ્પિટમાંથી રવાના થયા બાદ એક કલાક અને 34 મિનિટમાં મુંબઈની હોસ્પિટલમાં પહોંચ્યું હતું. 94 મિનિટમાં એણે કુલ 323.5 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
એમ મુલુંડની ફોર્ટિસ હોસ્પિટલના અવયવ પ્રત્યારોપણ વિભાગના વડા ડો. અન્વય મુળેએ જણાવ્યું છે.
જાલનાની રહેવાસી ચાર વર્ષીય છોકરીને ગયા વર્ષે કાર્ડિયોમાઓપથી નામની બીમારી લાગુ પડી હતી. એ બીમારીમાં હૃદય તરફથી શરીરના અન્ય ભાગોમાં લોહીનો પુરવઠો અટકી જાય છે. છોકરી માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ડોક્ટરોએ સલાહ આપી હતી. છોકરીનાં માતાપિતાએ ત્યારબાદ ગયા મે મહિનામાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે નામ નોંધાવ્યું હતું.
ગયા શુક્રવારે ઔરંગાબાદમાં એક રોડ અકસ્માતમાં 13 વર્ષનો છોકરો બ્રેન ડેડ ઘોષિત કરાયો હતો. એ છોકરાના માતાપિતાની પરવાનગી મળતાં જ છોકરાના મૃત્યુ બાદ ઉપલબ્ધ થયેલા હૃદયને ફોર્ટિસ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું.
ગ્રીન કોરિડોર એવી વ્યવસ્થા છે જેમાં દાતા તરફથી મળેલા અવયવને એ મેળવનાર દર્દીને ખૂબ ઝડપથી પહોંચાડવામાં આવે છે. આ વ્યવસ્થામાં કોરિડોરને હંમેશાં લીલું સિગ્નલ અપાયેલું હોય છે જેથી અવયવ સાથેની એમ્બ્યુલન્સને ટ્રાફિક અવરોધ ન નડે અને તે ઝડપથી એના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.