મુંબઈઃ મહારાષ્ટ્રમાં હજારો સરકારી કર્મચારીઓ ગઈ 14 માર્ચથી બેમુદત હડતાળ પર ઉતર્યાં છે ત્યારે મુંબઈ હાઈકોર્ટે એવી ટિપ્પણી કરી છે કે સામાન્ય નાગરિકોને પરેશાની થવી ન જોઈએ. કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે ગેરકાયદેસર હડતાળોના દૂષણને ડામવા માટે તેણે કયાં પગલાં લીધા છે.
કાર્યવાહક ચીફ જસ્ટિસ એસ.વી. ગંગાપુરવાલા અને ન્યાયમૂર્તિ સંદીપ માર્ણેની વિભાગીય બેન્ચે ગુણરતન સદાવર્તે નામના એક એડવોકેટે નોંધાવેલી અરજી પરની સુનાવણીમાં ઉપર મુજબ ટિપ્પણી કરી હતી. અરજદારે કોર્ટને વિનંતી કરી છે કે શિક્ષકો અને મેડિકલ સ્ટાફ સહિત રાજ્ય સરકારના કર્મચારીઓને એમની હાલની હડતાળને તાત્કાલિક રીતે પાછી ખેંચી લેવાનો આદેશ આપવો જોઈએ. રાજ્યમાં 2005માં રદ કરાયેલી જૂની પેન્શન યોજનાને ફરી અમલમાં મૂકવી જોઈએ એવી માગણીના ટેકામાં કર્મચારીઓ બેમુદત હડતાળ પર ઉતર્યાં છે. સુનાવણી વખતે એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે કોર્ટને કહ્યું હતું કે કર્મચારીઓની હડતાળ ગેરકાયદેસર છે. તેમણે કોર્ટને ખાતરી આપી હતી કે આ હડતાળને કારણે કોઈ સામાન્ય નાગરિકને પરેશાની ભોગવવી ન પડે એ માટે રાજ્ય સરકાર તમામ તકેદારી લઈ રહી છે.