નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ‘ગુરુપૂર્ણિમા’ની ઉજવણી

મુંબઈઃ ઇન્ટરનેશનલ બ્રોડવે મ્યુઝિકલ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ની અભૂતપૂર્વ સફળતા બાદ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં વાર્ષિક ઉજવણી સ્વરૂપે ‘પરંપરા –ગુરુપૂર્ણિમા વિશેષ મહોત્સવ’ ઊજવાશે. આ વર્ષે ભારતીય શાસ્ત્રીય સંગીતના શ્રેષ્ઠ ઉસ્તાદો અને તેમના પ્રસિદ્ધ શિષ્યોને એક મંચ પર લાવવામાં આવી રહ્યા છે. કાલાતીત ગુરુ-શિષ્ય પરંપરાના વાર્ષિક અભિવાદન તરીકે જેની કલ્પના કરવામાં આવી છે તેવી આ વિશેષ પ્રસ્તુતિ નીતા અંબાણીના વિશ્વ સમક્ષ શ્રેષ્ઠ ભારતનું પ્રદર્શન કરવા અને વિશ્વના શ્રેષ્ઠને ભારતમાં લાવવાના વિઝન થકી માર્ગદર્શિત છે.

30મી જૂન અને પહેલી જુલાઈએ બે દિવસીય વિશેષ ઉજવણી સાંજના 7.30 વાગ્યાથી સાંસ્કૃતિક કેન્દ્રના 2000-સીટર પર્ફોર્મિંગ આર્ટ સ્પેસ – ધ ગ્રાન્ડ થિયેટરમાં યોજવામાં આવશે.

આ સેન્ટરનાં સ્થાપક અને અધ્યક્ષા નીતા અંબાણીએ જણાવ્યું હતું કે ગુરુ માત્ર જ્ઞાન જ નથી આપતા, પણ શિષ્યોને સ્વ-સંશોધનના તેમના માર્ગ પર આગળ વધવાનું માર્ગદર્શન પણ આપે છે. આ ગુરુપૂર્ણિમાએ એનએમએસીસીમાં અમે આ કાલાતીત પરંપરાનું નમ્ર અભિવાદન કરતાં આનંદ અનુભવીએ છીએ. ‘પરંપરા’ ભારતીય શાસ્ત્રીય સંગીતના શ્રેષ્ઠ ઉસ્તાદો અને તેમના પ્રખ્યાત શિષ્યોને એકમંચ પર લાવી રહ્યું છે. આવો આપણે સાથે મળીને આ પવિત્ર બંધનની ઉજવણી કરીએ.

આ બે દિવસમાં કળાપ્રેમીઓ સુપ્રસિદ્ધ વાંસળીવાદક પદ્મ વિભૂષણ પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને તેમના ભત્રીજા રાકેશ ચૌરસિયાની; સરોદ ઉસ્તાદ પદ્મ વિભૂષણ ઉસ્તાદ અમજદ અલી ખાન તેમના પુત્રો અમાન તથા અયાન અલી બંગશ અને પૌત્રો ઝોહાન અને અબીર અલી બંગશ સાથે; તેમ જ સિતારવાદક પંડિત કાર્તિક કુમાર અને તેમના પુત્ર નીલાદ્રિકુમારની યાદગાર જુગલબંદીના સાક્ષી બનશે. આ પ્રતિષ્ઠિત સંગીતકારોની રજૂઆત સંગીત અને આધ્યાત્મિકતાના દુર્લભ સંશોધનને ચિહ્નિત કરશે. ધ ગ્રાન્ડ થિયેટર આ વીકએન્ડમાં આ મહાન કળાકારોના વારસાની ઉજવણી સ્વરૂપે એક અસાધારણ સંગીત જલસાનું સાક્ષી બનશે.