મુંબઈઃ ધી કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી.કે. શ્રોફ વિનયન મહાવિદ્યાલય તથા એમ.એચ. શ્રોફ વાણિજ્ય મહાવિદ્યાલયના ગુજરાતી સાહિત્ય મંડળ દ્વારા ગુરુવાર, તારીખ 1લી ડિસેમ્બર, 2022ના રોજ રાષ્ટ્રીય આંતર મહાવિદ્યાલય આંતરરાષ્ટ્રીય મહોત્સવ ‘ગુર્જરી નમોસ્તુતે’ ઉજવાઈ રહ્યો છે. આ કાર્યક્રમ કાંદિવલી વેસ્ટ, ભૂલાભાઈ દેસાઈ રોડ પર આવેલી કે.ઈ.એસ. શ્રોફ મહાવિદ્યાલય ખાતે યોજાશે.
ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી કલા, સાહિત્ય અને શિક્ષણ થકી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના વારસાને જતનથી જાળવવા માટે જાણીતી છે. આ સંસ્થા દ્વારા સંચાલિત જ્ઞાનની અનેક શાખાઓ પણ વટવૃક્ષની જેમ વિસ્તરેલી છે. અહીંનું ગુજરાતી સાહિત્ય મંડળ માતૃભાષા ગુજરાતીના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે.
ગુજરાતી સાહિત્ય મંડળનો આવો જ એક સફળ પ્રયાસ એટલે ‘ગુર્જરી નમોસ્તુતે.’ છેલ્લા અગિયાર વર્ષથી સતત આ રાષ્ટ્રીય આંતર-મહાવિદ્યાલય આંતરરાષ્ટ્રીય મહોત્સવની રંગેચંગે ઉજવણી થતી આવી છે. આ વર્ષ ઉત્સવની ઉજવણીનું બારમું વર્ષ છે. સંસ્થાના આધારસ્તંભ ટ્રસ્ટીગણ તેમ જ મુખ્ય વ્યવસ્થાપક સમિતિ, સહ સંયોજન સમિતિ, માર્ગદર્શકો, મુખ્ય સંચાલકો, વહીવટી સંચાલકોના સહિયારા પ્રરિશ્રમ સાથે થનારા કાર્યક્રમના આ વર્ષનો વિષય છે- ‘કૃષ્ણોત્સવ- મોરપિચ્છનો રંગ ગુર્જરીની સંગ.’
શ્રી કૃષ્ણ એટલે સદા યુવાન, સદા સંઘર્ષ અને સદા વિજય, પ્રેમ, શૌર્ય, જ્ઞાન, ભક્તિ, કર્તવ્ય અને સમર્પણ જેવા અનેક ગુણોથી ભરપૂર દિશાસૂચક અને ચિરયુવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર આપણી યુવાપેઢી માટે પ્રેરણાનો ખજાનો છે અને એટલે જ કાર્યક્રમ અંતર્ગત શ્રી કૃષ્ણના થીમ, વિષય અને સંદર્ભોને આવરી લેવાયા છે. આ ઇવેન્ટમાં નિબંધ લેખન, કાવ્ય પઠન, નૃત્ય, ગીતગુંજન, એકપાત્રીય અભિનય, ચિત્ર પરથી સર્જન, રંગોળી, પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન, લઘુચલચિત્ર નિર્માણ, મુગટ અને વાંસળી સજાવટ, જ્ઞાન સાથે ગમ્મત મળે એવી જ્ઞાન પરીક્ષણ તેમ જ છપ્પન ભોગ સામગ્રી- પ્રસાદ બનાવટ જેવી કૃષ્ણ વિષયક વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ સ્પર્ધા સમયે મહાવિદ્યાલયનું ઓળખપત્ર (I.D. Card) અથવા લાઈબ્રેરી કાર્ડ લાવવું ફરજિયાત રહેશે. ગુર્જરી નમોસ્તુતે મહોત્સવની દરેક ઓનલાઇન(Online) સ્પર્ધામાં સહભાગી થવા માટે પ્રત્યેક સ્પર્ધકે તારીખ 25 નવેમ્બર 2022 સુધીમાં તે સ્પર્ધા સંબંધિત લિંક પર જઈને રજિસ્ટ્રેશન કરી પોતાની ફાઇલ સમયસર અપલોડ કરવાની રહેશે.
વધુ માહિતી માટે સંપર્કઃ
Email: gsmkessc10@gmail.com
Instagram ID: gsmkessc10