મુંબઈઃ અહીંના ભાંડુપ ઉપનગરમાં ‘ડ્રીમ’ નામના એક શોપિંગ મોલમાં આવેલી ‘સનરાઈઝ’ નામની એક ખાનગી કોવિડ-19 હોસ્પિટલમાં ગઈ કાલે મધરાત બાદ લગભગ 12.30 વાગ્યે આગ લાગતા 10 જણનાં મરણ થયાનો અહેવાલ છે. એક શોપિંગ મોલના ત્રીજા માળે આ કોવિડ-19 હોસ્પિટલ આવેલી છે, જ્યાં કોરોનાવાઈરસના 76 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. અનેક દર્દીઓને ઉગારી લેવામાં આવ્યા છે.
નાયબ પોલીસ કમિશનર પ્રશાંત કદમના જણાવ્યા મુજબ, આગને લેવલ-3 ગણવામાં આવી છે અને તેને બુઝાવવા માટે 22 ફાયર ટેન્ડર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે અગ્નિશામક દળના અધિકારીઓની સાથે મધરાતે જ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. પેડણેકરે કહ્યું કે, કોઈ શોપિંગ મોલમાં હોસ્પિટલ હોય એવું મેં આ પહેલી જ વાર જોયું. આ બહુ જ ગંભીર બાબત કહેવાય. સાત દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. 70 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આગનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવશે.
(તસવીર સૌજન્યઃ કિશોરી પેડણેકર ટ્વિટર એકાઉન્ટ)